પ્રતિભાવો ઉર્ફે Comments

Saturday, August 27, 2016

પાટીદાર તાયફો ઉર્ફે આંદોલન : મેદાનને સાચી ઓળખ મળી, અનામતનું અચોક્કસ હતું – છે અને રહેશે

પાટીદાર અનામત તાયફો : ગુજરાત યુનિવર્સિટી મેદાન, અમદાવાદ

ગુજરાતના પાટીદારોના એકવીસમી સદીના બ્રાન્ડ ન્યૂ આગેવાનોએ અનામતના નામે શરૂ કરેલા તાયફાને એક વર્ષ પૂરું થયું. અનામતની ગેરબંધારણીય માગણી સાથે મહેસાણાથી શરૂ થયેલા તાયફાને આંદોલન ગણવું મારા માટે અને કદાચ તમારા માટે પણ મુશ્કેલ છે તેમ હું માની લઉં છું. અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં જીએમડીસી ગ્રાઉન્ડ / GMDC Ground, Ahmedabad તરીકે વ્યાપક ઓળખ ધરાવતી જગ્યાએ 25 ઑગસ્ટ 2015ના દિવસ દરમિયાન યોજાયેલા ધરણાને બહોળો પ્રતિસાદ મળ્યો તે પછી આ તાયફો રાજ્યભરમાં ફેલાઈ ગયો અને ગુજરાત બહાર પણ પોતાના માટે થોડી જગ્યા કરી.

ધરણાંને પગલે એક પછી એક આવી પડતી ગેરવાજબી માગણીઓ, તેની સામે ઘૂંટણિયા નહીં ટેકવવાની આનંદીબહેન પટેલ સરકારની મક્કમતા, તાયફાના આગેવાન હાર્દિક ભરતભાઈ પટેલની ધરપકડ, તેને પગલે ફાટી નીકળેલા તોફાનો, અસંતોષ અને છેલ્લે રાજદ્રોહના આરોપસર હાર્દિક પટેલને પડેલી મહિનાઓ લાંબી ચાલેલી જેલ અને કારાવાસમાંથી મુક્તિ. આ ઘટનાક્રમ બહુ જાણીતો છે અને વાંચવા – જાણવા માટે વેબદુનિયામાં ઠેકઠેકાણે ઉપલબ્ધ છે એટલે અહીં હું તે ઉતારતો નથી. અહીં જે ઉતારવા માગું છું તે એ જે અંગતપણે અનુભવ્યું છે.

આલ્ફા વન મોલ બંધ...
25 ઑગસ્ટ 2015ના દિવસે ધરણાં – આંદોલન સંબંધી સમાચારો ટીવીની ચોવીસ કલાક ચાલતી ન્યૂઝ ચેનલો પર ચાલુ જ હતા. એ જોતાં આખો દિવસ ઘરમાં પૂરાઈ રહ્યા પછી ચાર-પાંચ વાગ્યાની આસપાસ થયું કે અનામત આંદોલનના તાયફા સ્થળે જઇને પણ માહોલને રૂબરૂમાં અને નજીકથી જોવો જોઇએ. અમદાવાદમાં વસ્ત્રાપુરમાં જ્યાં રહું છું એ ઘરથી જીએમડીસી ગ્રાઉન્ડ નામથી અત્યાર સુધી ઓળખાતી આવતી જગ્યા નજીક છે. ત્યાં જતાં પહેલા મેં મારા મિત્ર અશ્વિન ચૌહાણને / Ashwin Chauhan ફોન કર્યો. તેમણે પણ મારી સાથે આવવાની ઇચ્છા વ્યક્ત કરી. જો કે એ પહેલા એમણે મને પોતાને ઘરે આવીને પાણીપુરીને ન્યાય આપવાનું આમંત્રણ આપ્યું. ‘પાટીદારોને ન્યાય મળે ત્યારે ખરો’ એમ વિચારતો હું મિત્ર દંપતી સોનલ – અશ્વિનના ઘરે પહોંચી ગયો. ગુજરાત વિદ્યાપીઠમાં / Gujarat Vidyapith, Ahmedabad પત્રકારત્વ વિભાગના પ્રાધ્યાપક અશ્વિનના પત્ની સોનલ પંડ્યા / Sonal Pandya ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગના નિયામક છે. એ રાહે ગુજરાત યુનિવર્સિટીના / Gujarat University ટીચર્સ ક્વાટર્સમાં રહેતા અશ્વિનને મારી જેમ જ ઘર નજીક સામે આવેલા જીએમડીસી મેદાનની મુલાકાત લેવાનું મન થાય તે સ્વાભાવિક છે.

...રસ્તા બંધ અને બંદોબસ્તમાં મહેસાણા પોલીસ...
અશ્વિનને ઘરે આવેલા સંબંધીઓ-મહેમાનો સાથે આંદોલનની સહજ વાતો થઈ અને પાણીપુરીને ન્યાય આપવામાં લગભગ સાંજ પડી ગઈ. એ પછી હું અને અશ્વિનકુમાર ચૌહાણ બીઆરટીએસનો ટ્રેક / BRTS, Ahmedabad ક્રોસ કરી અંધજન મંડળની / Blind People’s Association પાછળના રસ્તે મેદાન તરફ આગળ વધ્યા. સાથે ઘરે થયેલી વાતનું અનુસંધાન પણ ચાલુ હતું. અશ્વિનનું કહેવું હતું કે, આંદોલનનું આયોજન કરનારાથી લઇને વહીવટીતંત્ર, પોલીસ અને સરકાર સુદ્ધાં આ મેદાનને ‘જીએમડીસી ગ્રાઉન્ડ’ નામે ઓળખાવે છે. હકીકતે આ મેદાનની જગ્યાની માલિકી ગુજરાત યુનિવર્સિટીની છે તેવી માહિતી આપતા પ્રોફેસરે કહ્યું કે ગુજરાત યુનિવર્સિટીના વહીવટીતંત્રને પણ આ બદલાયેલી અને આપવામાં આવતી ખોટી ઓળખ સામે વાંધો પડતો નથી તેનું આશ્ચર્ય થાય છે. મને પણ આ વાત જાણીને નવાઈ લાગી. વાતવાતમાં મેં પણ યાદ કર્યું કે એક રૂપિયાના ટોકન ભાડાથી આ જગ્યા પાટીદાર અનામત આંદોલન સમિતિને / PASS વાપરવા આપનાર જગ્યાના લીઝ હોલ્ડર ગાંધી કૉર્પોરેશનએ એ દિવસના અખબારમાં છપાવેલી જાહેરાતમાં પણ તેનો ઉલ્લેખ ‘જીએમડીસી ગ્રાઉન્ડ’ તરીકે કર્યો હતો. મતલબ કે ભાડૂઆત પોતે જ જગ્યાને ખોટી રીતે ઓળખાવતો હતો.

...અને મેદાનમાં જગ્યા નથી...
મેદાન પર આ ખોટી ઓળખ બાબત તરફે કોઇનું ધ્યાન દોરી શકાય તો એમ કરીએ એવી વાતો કરતા અમે જીએમડીસી ગ્રાઉન્ડ નજીક પહોંચ્યા એ સાથે જ દૂરથી લાકડીઓ ઉછળતી દેખાઈ. થોડાક માણસોની નાસભાગ જોઇને અમે બન્નેએ એકમેકના હાથ પકડી લીધા. થોડા આગળ વધવાની હિંમત કરી પણ એ કશા કામની નહોતી એ અમને સમજાઈ ગયું હતું. ‘કઈ બાજુ ભાગવું?’ અથવા તો ‘કોના ઘર તરફ ભાગવું?’ એવી અનિશ્ચિતતા વચ્ચે અમે ‘ઘરે પહોંચીને ફોન કરજો’ એમ બોલતા એકબીજાના હાથ છોડીને વિરૂદ્ધ દિશામાં ભાગ્યા. એમ કરીને અમે બન્ને પોતપોતાના ઘરે સલામતીપૂર્વક પહોંચી જવાના હતા તેની ખાતરી હતી. ભાગીને મેદાન નજીકની ઝૂંપડપટ્ટીમાં સંતાયા પછી હું થોડીવારે બહાર આલ્ફા વન મોલ તરફના રસ્તા પર નીકળ્યો. ચારે તરફ નીરવ શાંતિ હતી. પોલીસ ધારે તો આંદોલન નામે ચાલતા તાયફાની ગણતરીની મિનિટોમાં શું વલે કરી શકે તેનું ઉત્તમ ઉદાહરણ જોવા મળી રહ્યું હતું. મેદાનમાં પાર્ક થયેલા વાહનો જેમના તેમ રહી ગયા હતા. તેના માલિકો પોલીસને તે પરત મેળવવા માટે વિનવણી કરી રહ્યા હતાં. પોલીસ સત્તાવાળાઓએ ઇલેક્ટ્રિસિટી સપ્લાય બંધ કરીને જ આ ઑપરેશન પાર પાડ્યું હતું એટલે વાહનો જે તે વ્યક્તિ માટે શોધવા કે પોલીસ માટે પણ શોધીને સોંપવાનું શક્ય નહોતું રહ્યું. પોલીસ તે સૌને સત્તાવાહી તો ક્યાંક વિનંતીના સૂરમાં એક જ વાત કહી રહી હતી કે, ‘આવતીકાલે સવારે આવીને વાહન લઈ જજો, તે સલામત જ છે’.

રસ્તે ચાલતા જતાં કોઈ ત્રાહિત વ્યક્તિની વાતો સાંભળવી એ સારું લક્ષણ તો નથી જ પણ અમદાવાદ જેવા ભીડ-ભાડથી ખદબદતા શહેરો વચ્ચે ચાલતા આ લક્ષણને જાળવી રાખવું હવે અઘરું છે. હું કોશિશ કરું છું પણ એમ થઈ શકતું નથી. મને પણ એક પોલીસવાળાની વાત સંભળાઈ ગઈ. તે ફરજ પરના તેના ઉપરી અમલદારને કહી રહ્યો હતો…‘સાહેબ, સારું થયું. જેણે પણ આ ઑર્ડર આપ્યો તેણે સારું કર્યું. બે દિવસથી અહીં ભૂખ્યા-તરસ્યા ખડે પગે ફરજ નિભાવતા કંટાળી ગયા હતા. બહુ દિવસે હાથ સાફ કરવાનો સારો મોકો મળ્યો.’

પાટીદારોની અનામતની માગણીઓનો તો આમેય કોઈ ઉકેલ આવવાનો નથી એ હવે મને, તમને, એમને સૌને રોજ-બ-રોજના સમાચારો, કૉર્ટ કાર્યવાહી અને તેના વિશ્લેષણ પરથી સમજાઈ ગયું છે. જે થોડાક લોકોને નથી સમજાયું તેને પણ વખત જતાં સમજાઈ જશે તેની ગૅરન્ટી.

...પછી જગ્યા જ જગ્યા...
મને કે અશ્વિનને અમે જે ઇચ્છતા હતા એવી રજૂઆત કરવાની કોઈ તક મળી નહોતી. પણ આ પાટીદાર આંદોલન નામે થયેલા તાયફા પછી એક સારું કામ એ થયું કે જીએમડીસી ગ્રાઉન્ડ હવે સત્તાવાર ધોરણે ‘ગુજરાત યુનિવર્સિટી મેદાન’ તરીકે ઓળખાતું થયું છે. પાછલા દાયકા એકથી ગુજરાત સરકાર આ સ્થળે નવરાત્રીનું સરકારી આયોજન કરતી આવી છે. તેની જાહેરાતોમાં સરકાર પોતે જ મેદાનને ‘જીએમડીસી’ના નામે ઓળખાવતી હતી. ‘વિશ્વ યોગ દિવસ’ નિમિત્તે 21મી જૂને યોજાયેલા સરકારી કાર્યક્રમમાં આ જગ્યાને સત્તાવાર રીતે ‘ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ’ નામથી ઓળખાવનાર સરકાર અને જગ્યાનો હવે પછી ઉપયોગ કરનારા એ પરંપરા ચાલુ રાખે તેવી મુજ બિન-આંદોલનકારી નાગરિકની અપેક્ષા.

(તસવીરો : બિનીત મોદી)

Saturday, August 13, 2016

કટોકટીના કાયદાકીય લડવૈયા ચંદ્રકાન્ત દરુનું શતાબ્દી સ્મરણ

ચંદ્રકાન્ત દરુ / Chandrakant Daru
23 જૂન 1916થી 15 મે 1979


વીસમી સદીના અમદાવાદ તેમજ ગુજરાતની વકીલ આલમના જાણીતા-ચર્ચિત ચહેરા ચંદ્રકાન્ત દરુના / Chandrakant Daru શતાબ્દી વર્ષની ઉજવણી મોટા પાયે કરવી જોઇએ તેવો તેમના સાથીદારોનો દ્રઢ ખ્યાલ છે. વિચારને અમલમાં મુકવા ‘ચંદ્રકાન્ત દરુ સ્મારક ટ્રસ્ટ’ અંતર્ગત ‘ચંદ્રકાન્ત દરુ શતાબ્દી ઉજવણી સમિતિ’ની રચના કરવામાં આવી. બન્નેના અધ્યક્ષ અનુક્રમે પ્રકાશ ન. શાહ / Prakash N. Shah અને એડવોકેટ ગિરીશભાઈ પટેલ / Girish Patel. એ સિવાય અઠ્ઠાવીસ સભ્યોની સમિતિ બનાવવામાં આવી – ત્રેવીસ પુરૂષો અને પાંચ મહિલાઓ. જાહેરજીવનની કર્મશીલતાની બાબતે સ્ત્રી-પુરૂષના ભેદભાવ પાડવા જોઇએ કે કેમ તે અલગ ચર્ચાનો મુદ્દો છે. પણ એક ટિપ્પણી કરીને મારી વાત આગળ વધારીશ કે પાંચ વક્તાઓમાં એક મહિલા વક્તાનો સમાવેશ થયો હોત અને સમિતિના તમામ નહીં તો બહુમતી સભ્યોએ સક્રિયતા બતાવવા સાથે શતાબ્દી ઉજવણીના પ્રથમ ચરણ જેવા કાર્યક્રમમાં હાજરી આપવાનું પણ મુનાસિબ સમજ્યું હોત તો મારા આ અહેવાલ પછી પબ્લિશ થનારી મહાનુભાવોના વક્તવ્યોની આગામી બ્લોગપોસ્ટનું પેટામથાળું તો કમ-સે-કમ જુદું હોત.

‘લોકશાહી બચાઓ’ અમદાવાદની જનસભામાં
લોકનાયક જયપ્રકાશ નારાયણને આવકારતા ચંદ્રકાન્ત દરુ
અરે! દરુ કટોકટીકાળમાં જે બે સામયિકોની પ્રકાશનયાત્રા ચાલુ રહે તે માટે જીવ રેડીને કાયદાકીય લડાઈ લડ્યા તે ‘ભૂમિપુત્ર’ / Bhoomiputra અને ‘સાધના’ના / Sadhana વર્તમાન સંચાલકોની ગેરહાજરી રજનીભાઈ દવેના / Rajni Dave અપવાદ સિવાય પણ કાર્યક્રમ દરમિયાન ઉડીને આંખે વળગે તેવી હતી.

ખેર! સમિતિના અઠ્ઠાવીસ સભ્યોમાંથી પચાસ ટકા ઉપરાંતની ગેરહાજરી વચ્ચે શનિવાર, 16 જુલાઈ 2016ની સવારે હિમાવન-પાલડી સ્થિત મહેંદી નવાઝ જંગ સભાગૃહમાં ચંદ્રકાન્ત દરુ શતાબ્દી ઉજવણીની શરૂઆત થઈ. ટ્રસ્ટના અધ્યક્ષ પ્રકાશ ન. શાહ તેમના ગુજરાત બહારના લાંબાગાળાના પૂર્વનિર્ધારિત રોકાણને લઇને કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શક્યા નહોતા. આટલી નોંધ સાથે ખેદપૂર્વક મારે એ પણ ઉમેરવું રહ્યું કે કાર્યક્રમમાં તેમનો નામજોગ નોંધપાત્ર ઉલ્લેખ પણ કોઇએ કર્યો નહીં. વક્તાઓ પાસેથી એ અપેક્ષિત નહોતું અને કાર્યક્રમના આયોજક ગૌતમ દશરથલાલ ઠાકર ઉલ્લેખ-નોંધ લેવાનું ચાતરી ગયા. આટલી નોંધ સાથે હું ઉમેરીશ કે સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ધારાશાસ્ત્રી સોલી સોરાબજીનો પરિચય આપવા પૂરતું મંચ પર આવવાની તક મેળવી શકેલા ગુજરાત હાઇકોર્ટના વરિષ્ઠ એડવોકેટ અમીબહેન યાજ્ઞિક / Ami Yagnik માત્રએ પ્રકાશભાઈને નામજોગ યાદ કરવા સાથે ચુનીભાઈ વૈદ્ય / Chunibhai Vaidya અને ગિરીશ પટેલને તેમનું ઘડતર કરનારા રૂપે લેખાવ્યા હતા.

(ડાબેથી) મહેન્દ્ર આનંદ, ગિરીશ પટેલ, ઉપેન્દ્ર બક્ષી, સોલી સોરાબજી અને ગૌતમ ઠાકર
આટલું લખ્યા પછી મૂળ કાર્યક્રમ વિશે હું શું લખીશ તેનો કાચો અંદાજ વાંચનારને તો આવતા આવશે, આ ક્ષણે મને પણ આવતો નથી. પ્રારંભે ‘મૂળગામી માનવવાદના મશાલચી’ એ નામે પ્રકાશિત ચંદ્રકાન્ત દરુ શતાબ્દી સ્મૃતિગ્રંથનું વિમોચન ઉપેન્દ્ર બક્ષી, સોલી સોરાબજી અને ગિરીશ પટેલ સહિતના મહેમાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.

ત્યાર બાદ ઉપેન્દ્ર બક્ષી / Upendra Baxi અને સોલી સોરાબજીના / Soli Sorabjee વક્તવ્યો થયા જે એમના નામ-કામ અને મોભાને અનુરૂપ નહોતા. આ મહાનુભાવોના વક્તવ્યોની વચ્ચે દરુના જુનિયર સાથી રહી ચૂકેલા એડવોકેટ મહેન્દ્ર આનંદે / Mahendra Anand પોતાની વકીલાતની કારકિર્દી ઘડતરમાં દરુસાહેબનો ફાળો, તેમની વકિલાતના લક્ષણો અને બેફિકરા સ્વભાવના કેટલાક ઉદાહરણો કહેવા સાથે રસપ્રદ વાતો કરી. એ જ રીતે દરુસાહેબના વ્યવસાયી સાથી રહી ચૂકેલા અને વકીલોની એકવીસમી સદીની આલમના એકમાત્ર કર્મશીલ એડવોકેટ ગિરીશભાઈએ / Girish Patel તેમનાં દરુ સાથેના સંસ્મરણો કહ્યા.

આ બે અપવાદને બાદ કરતાં એકંદરે કાર્યક્રમ એકદમ નિરસ જણાયો. પહેલો એવો કાર્યક્રમ જોયો જેમાં સ્થાનિકથી લઇને રાષ્ટ્રિય કક્ષાના ચાર વક્તાઓ હાજર હોય અને શ્રોતાઓમાંથી તેમને સમ ખાવા પૂરતી એક વાર પણ દાદ મળતી હોય. વક્તવ્યોને અંતે ‘શ્રોતાઓને પ્રશ્ન પૂછવા હોય તો...’ એ મતલબની જાહેરાત થઈ તો ખરી પણ પ્રશ્ન પૂછી શકે તેવા શ્રોતાઓ પ્રારંભના કંટાળાજનક વક્તવ્યોને લઇને સભાગૃહ છોડી ગયા હતા.

સોલી સોરાબજી સરખા સિનિયર એડવોકેટને સાંભળવા વકીલોની આલમ જિજ્ઞેશ મેવાણીના / Jignesh Mewani એકમાત્ર અપવાદ સિવાય ગેરહાજર હતી. સીટિંગ જજો તો બચાડા પ્રૉટોકોલના માર્યા પ્રવચન સાંભળવા ન આવી શકે તે સમજાય એવું છે. ટ્રિબ્યૂનલ જજ તરીકે સેવાઓ આપી ચૂકેલા એકમાત્ર નિવૃત્ત જજ મધુકર ધ્રુવ / Madhukar Dhruv કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. ઉના / Una ગામના પાદરે દલિતો પર થયેલા અત્યાચારની ચારેકોર ચર્ચા હતી પણ અહીં અમદાવાદ જેવા શહેરની વચ્ચોવચ્ચ પાલડીમાં આવેલા હોલની ચાર દિવાલો વચ્ચે આ ઘટનાનો હરફ સુધ્ધાં ઉચ્ચારાય ના તે વાત મને લાગે છે દરુના આત્માને પણ અકળાવનારી લાગી હશે.

કાર્યક્રમના અંતે વધ્યા – ઘટ્યા શ્રોતાઓને સોલી સોરાબજી સાથે ફોટા પડાવવામાં અને સૅલ્ફી લેવામાં વધુ રસ હતો. પત્રકારો તો  હાજર હતા નહીં. હાજર હતી એવી ચેનલોના ખબરદારોએ પણ ઉનાની ઘટના વિશે એકેય હરફ ઉચ્ચારીને વાત આગળ ન વધારી. સભાગૃહમાં સ્ટેટ આઇ.બી / Intelligence Branch (રાજ્ય સરકારના ગૃહ વિભાગના સીધા નિયંત્રણ હેઠળ કામ કરતી સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્રાન્ચ)ના બે પ્રતિનિધિઓમાંથી એક લોકોની અવર-જવર પર ધ્યાન રાખીને ઓળખી શકે તેમના નામ નોંધતો હતો અને બીજો મારી પાછળ બીજી હરોળમાં બેસી વક્તવ્યોની નોંધ કરતો હતો. ગૌતમભાઈ ઠાકરે સાથીદારોને પૂછ્યું પણ ખરું કે, ‘આજના કાર્યક્રમની પ્રેસ-નોટ કોણ તૈયાર કરશે?’ એક સાથીદારે જવાબ આપ્યો – ‘સ્ટેટ આઇ.બી’. દેશના – ગુજરાતના જાહેરજીવન માટે કામ કરી ચૂકેલી એક વ્યક્તિના નામે બનેલા ખાનગી ટ્રસ્ટ દ્વારા આયોજિત મર્યાદિત લોકો માટેના જાહેર કાર્યક્રમમાં સ્ટેટ આઇ.બીના પ્રતિનિધિ શું કામે – કયા ઇરાદાથી આવ્યા હતા તેવું પૂછવાની આયોજકોમાંથી કોઇની હામ નહોતી. કેમ કે એકવીસમી સદીની ગોઠવણોવાળી જાહેરજીવનની લડતો એવું શીખવવા માટે કાચી પડે છે.

ગૌતમ ઠાકર / Gautam Thaker દ્વારા સંપાદિત – સંકલિત સ્મૃતિગ્રંથનો પરિચય કેળવવાનું કામ ધીરજ માંગી લે તેવું છે. 2016માં પણ આ પ્રકારે રેઢિયાળ પધ્ધતિ અપનાવીને ગ્રંથ તૈયાર થઈ શકે તેવી સમજણ પાકી કરી આગળ વધવું. સાલું (આ શબ્દ લખ્યા વગર મારી વાત આગળ વધારી શકું તેમ નથી.) સ્મૃતિગ્રંથમાં પણ અપવાદરૂપ બે ઠેકાણા સિવાય બહેનોના ફોટા નથી. કેમ જાણે દરુના જીવનમાં કોઈ મહિલાનો પ્રવેશ જ ન થયો હોય. ટાઇટલ પેજ પર દરુના ફોટાને સ્પેશિયલ ઇફેક્ટ શું કામ આપી છે અને છેલ્લા ટાઇટલ પર એમ.એન. રોય દંપતિનો / M.N. Roy ફોટો છે તો દરુ દંપતિનો ફોટો ક્યાં છે? આવા સવાલોના જવાબો મળી શકે તેમ નથી. દરુની જન્મતારીખ રજનીભાઈ દવેનો લેખ વાંચો ત્યારે મળે છે. સ્મૃતિગ્રંથમાં આવી અને વ્યક્તિવિશેષના જીવન-કવન જેવી વિગતો અલગથી મળવી જોઇએ એવી મારી સામાન્ય સમજ છે જે સંપાદક ગૌતમ ઠાકર સાથે વહેંચવી રહી.

આમંત્રણ આપીને મંગાવેલા લેખો જેમના તેમ અહીં બે પૂંઠા વચ્ચે ચોંટાડી દેવાયા છે. જેમ કે એકમાત્ર બહેન ઇલાબહેન ભટ્ટે / Ela Bhatt લેખ લખીને કોને વંચાવ્યો, કોણે સુધારા-વધારા કર્યા તેનો પણ લેખમાં જ ઉલ્લેખ છે. આટલું કર્યા પછી પણ બે ઠેકાણે ‘મજૂર મહાજન સંઘ’ સંસ્થાનો ઉલ્લેખ ‘મહારાજ’ તરીકે થયો છે અને વાંચનાર ગોથું ખાધા જ કરે છે. સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયમૂર્તિ એ.એમ. અહમદીએ / A.M. Ahmadi પત્રરૂપે પાઠવેલા લેખને જેમનો તેમ ‘સંપાદિત કરવાની જરૂર જણાય તો તેમ કરવું’ એવી સૂચના સાથે જ પ્રકાશિત કર્યો છે. એક-બે લેખ સિવાય બહુમતીપણે ગુજરાતી ભાષામાં તૈયાર થયેલા સ્મૃતિગ્રંથમાં સમાવાયેલા ફોટાઓની ઓળખ લાઇન અંગ્રેજીમાં છે. કેમ? એવું પૂછી શકાય તેમ નથી.

કેમ કે સરકાર, સમાજ, ધર્મ, જાતિ, જ્ઞાતિ, ગુરુ, રાજકારણી અને કઇંકોને પીયુસીએલ / PUCL વતી સવાલ કરી જવાબ માંગતા ગૌતમભાઈને ઉપરોક્ત કાર્યક્રમના અઠવાડિયા અગાઉ એસએમએસ કરીને મેં પૂછ્યું હતું કે ‘પીયુસીએલ ગુજરાત, ડાબેરી વિચારધારા કે ગુજરાત બિરાદરી પાસે મંચ પર બેસાડી શકાય કે ફ્રન્ટ પર ઊભા રાખી શકાય તેવું મહિલા નેતૃત્વ કેમ નથી?’ જેમ તેમને માંગ્યા મુજબના ઇચ્છિત જવાબો મળતા નથી તેમ મને પણ આજ દિન સુધી જવાબ પાઠવ્યો નથી. હા, આ વાંચીને પ્રતિભાવ આપશે એવી આશા રાખી શકાય.

કાર્યક્રમ અગાઉ અને સ્મૃતિગ્રંથમાં પણ ટ્રસ્ટની પ્રવૃત્તિઓ અને શતાબ્દી વર્ષની ઉજવણીને આગળ ધપાવવા, ખર્ચને પહોંચી વળવા નાણાભંડોળની જરૂર હોઈ દાન મેળવવા માટે અપીલ કરવામાં આવી છે. એ માટે જ થઇને સ્મૃતિગ્રંથની કિંમત સવાસો રૂપિયા રાખવામાં આવી છે. હવે પ્રવૃત્તિઓ અને પ્રકાશન જો આ કક્ષાના જ થવાના હોય તો પછી દરુના નામે ભંડોળ મેળવીને ‘ખર્ચની નવી કટોકટી’ શું કામ ઊભી કરવી જોઇએ?

કાર્યક્રમ સંબંધે આટલું લખ્યા પછી તેમાં થયેલા વક્તવ્યો વિશે પણ મારે ચાર શબ્દો પાડવા જોઇએ. તેને હું મારી નૈતિક ફરજ સમજું છું. જે-તે મહાનુભાવોના શબ્દો વાંચવા માટે આગામી બ્લોગપોસ્ટની રાહ જૂઓ.


(નોંધ: કર્મશીલ પત્રકાર-લેખક પ્રકાશ ન. શાહના તંત્રીપદે તેમજ વિપુલ કલ્યાણી અને કેતન રૂપેરાના સંપાદન સહાય હેઠળ પ્રકાશિત થતા વિચારપત્ર પાક્ષિક ‘નિરીક્ષક’ના 1 ઑગસ્ટ 2016ના અંકમાં ‘કહું, મને કટેવ’ વિભાગ તળે ઉપરોક્ત કાર્યક્રમનો અહેવાલ પ્રકટ થયો તેનો આ બિન-સંપાદિત પહેલો ડ્રાફ્ટ છે.)

તસવીરો : ચંદ્રકાન્ત દરુ પરિવાર અને ટ્રસ્ટના સૌજન્યથી, કાર્યક્રમની રંગીન તસવીરો – બિનીત મોદી

Wednesday, August 03, 2016

ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (જુલાઈ – 2016)

(જુલાઈ – 2016)


સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના બે આશય છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા અથવા દાખલ થયા પછી દૂર થયા છે તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાના વિચારને 2012માં અમલમાં મૂક્યા પછી તેને નિયમિત કરતાં એ ક્રમમાં આ 69મી પોસ્ટ છે.
2010ના વર્ષની એક અને 2011થી 2015ના પાંચ વર્ષની મહિનાવાર સ્ટેટસ પ્રોફાઇલ પોસ્ટ રજૂ કર્યા પછી પ્રસ્તુત છે હવે જુલાઈ – 2016. જે તે દિવસના વાર, તારીખ અને સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું સ્ટેટસ અપડેટ છે.ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું. હા, ડમડમબાબા એ બ્લોગલેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.
આભાર.

(Friday, 1 July 2016 at 08:00am)
ખીસું, ગજવું, પાકિટ ને બટવો...સઘળું ફંફોસી નાખ ફરી-ફરી...
નીકળશે કડકડતી ચલણી નોટો...ને હશે રઘુરામ રાજનની સહી...
સ્વમાની કવયિત્રીના સ્વામીની મનમાની રચના...
સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના બાસઠમા સ્થાપના દિન નિમિત્તે...
* * * * * * *

(
Monday, 4 July 2016 at 03:00pm)
ભગવાન જગન્નાથજીની આ વર્ષની 139મી રથયાત્રામાં એકત્રીસમો અખાડો ગુજરાતી સાહિત્ય પરિષદઅને ગુજરાત સાહિત્ય અકાદમીના સભ્યો વચ્ચે ચાલતા મલ્લયુદ્ધના કરતબો દર્શાવે તેવી વકી છે.
લિ. બેની લડાઇમાં ફાવતો ત્રીજો એવો માલપુઆનો પ્રેમી
* * * * * * *
માર્કો પોલો ‘વિશ્વપ્રવાસી’

(
Friday, 8 July 2016 at 09:00am)
ચારેય દિશાઓમાં જોઈ...
તારી યાત્રાઓ હવાઈ...
માર્કો પોલો પણ ગયો છે શરમાઈ.
લિ. ફૉરિન્ ટુરના એકમાત્ર સ્વદેશી આયોજક
* * * * * * *
વણઝારાને મર્સિડીઝ કાર ભેટ આપનાર પુત્ર અને...
લાંચ લેનાર પુત્ર અર્જુન અને સાથીદાર જસવંતસિંહ હજુરી

(
Monday, 11 July 2016 at 09:00am)
ગુજરાત પ્રવેશની મંજૂરી મળતા પૂર્વ પોલીસ અધિકારી ડી.જી. વણઝારાનો ઉદ્યોગપતિ પુત્ર પપ્પાને પંચોતેર લાખ રૂપિયાની મર્સિડીઝ કાર ભેટમાં આપે છે તેના બીજા મહિને મામલતદાર પુત્ર પંચોતેર હજાર રૂપરડીની લાંચ લેતા પકડાય છે.
હે સ્વામીરઘુરામ રાજન...આ આર્થિક અસમાનતા ક્યારે દૂર થશે?
લિ. આર્થિક અસમાનતાનો એડવોકેટ

* * * * * * *

(
Thursday, 14 July 2016 at 03:00pm)
કશ્મીર સમસ્યા પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂ તરફથી મળેલી એવી ભેટ છે જેને તેમના પછીના નરેન્દ્ર મોદી સુધીના વડાપ્રધાનો તોશાખાનામાં જમે કરાવી શકતા નથી.
તોશાખાનું = હોદ્દા પર રહેતાં સત્તાવાર ધોરણે મળેલી કીમતી ભેટ-સોગાદોને જમા કરાવવાનો સરકારી વિભાગ
લિ. તોશાખાનાનો કારકુન
* * * * * * *

(Monday, 18 July 2016 at 09:00am)
પપ્પા, મારે ગૌરીવ્રત કરવું છે.
એથી શું થાય?”
સારો વર મળે.
કોઈ જરૂર નથી. વ્રત કર્યા વગર પણ તારી મમ્મીને હું મળ્યોને.
ડમડમબાબા ડાયલૉગ સિરીઝ.....
* * * * * * *

(Monday, 18 July 2016 at 06:00pm)
મમ્મી, મારે ગૌરીવ્રત કરવું છે.
એથી શું થાય?”
સારો વર મળે.
કોઈ જરૂર નથી. વ્રત કર્યા પછી પણ મારે લમણે કોણ લખાયું એ તું જૂએ છે ને?”
ડમડમબાબા ડાયલૉગ સિરીઝ.....
* * * * * * *

(
Thursday, 21 July 2016 at 09:00am)
આજથી શરૂ થતી તદ્દન નવી માર્ગદર્શન શ્રેણી...ભાગ – 1
માહિતી હોય તો માર્ગદર્શન આપો Desai Shilpa / https://www.facebook.com/desai.shilpa.7
Sister, ગત ચોમાસાથી ઓણ સાલના પહેલા વરસાદ સુધી આચર-કુચર ખાવાના કારણે ગયા વર્ષે ખરીદેલો રેનકોટ બંધબેસતો નથી. તો એને ઑલ્ટર કરાવી શકાય?
લિ. વૉડ્રોબમાં માત્ર રેનકોટ ધરાવતો જણ
તાજાકલમ : માર્ગદર્શન ન આપી શકો તો મને Unfriend તેમજ BLOCK કરી આપનું ફેસબુક અકાઉન્ટ Deactivate કરી દેવા વિનંતી છે. કેમ કે માર્ગદર્શન ન આપી શકતા હો તો પછી પ્રોફાઇલ ચાલુ રાખવાનો કોઈ અર્થ સરતો નથી.
* * * * * * *

(Friday, 22 July 2016 at 11:00am)
રજનીકાન્ત ગુજરાતી ફિલ્મમાં આવવાનો છે.
કઈ ફિલમમાં?”
હાલમાં શૂટિંગ ફ્લોર પર છે એ તમામમાં...
ડમડમબાબા ડાયલૉગ સિરીઝ.....
* * * * * * *
ધારીના ધારાસભ્ય નલીન કોટડિયા

(
Thursday, 28 July 2016 at 12:00 Noon)
પાણીના પ્રશ્નને લઈ રાજકીય કારકિર્દીની શરૂઆત કરનાર કાર્યકરનું સમગ્ર જીવન છેવટે પાણીમાં જ જાય છે.
લિ. નલીન કોટડિયા અને સુરેન્દ્ર કાકાપટેલના અંગત રાઝજ્યોતિષી

ગયા મહિને અહીં મુકેલી જૂન – 2016ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક આ રહી –

.....તેમજ ગત વર્ષોમાં અહીં મુકેલી જુલાઈ – 2011, જુલાઈ – 2012, જુલાઈ – 2013, જુલાઈ – 2014 તેમજ જુલાઈ 2015ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક અનુક્રમે આ રહી –

http://binitmodi.blogspot.in/2012/08/2011.html

(સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)