પ્રતિભાવો ઉર્ફે Comments

Friday, May 25, 2012

ગીતાંજલિ મધુસૂદન ઢાંકી : વિદ્યાવ્યાસંગીના જીવનસંગિનીની વિદાય

કવિ – લેખક – સાહિત્યકાર– કલાકાર આ જગતમાંથી વિદાય લે ત્યારે માધ્યમોમાં એ બાબતની નોંધ લેવાય છે. સારું છે. જો કે એ લાભ એમના પરિવારજનોને મળતો નથી. એ બાબતમાં સંતાનો સુધી લીટી લાંબી ન કરીએ તોય એ લાભ દિવંગતના પતિ કે પત્નીને મળે, મળવો જોઈએ એવી લાગણી થયા કરે. હવે લાગણીનું તો એવું છે ને કે તેને કાબુમાં – સીમિત રાખવી પડે. જો કે આજે આવી નોંધ લેવી પડે તેવું એક કારણ મળ્યું છે.

        ભારતીય દેવાલય સ્થાપત્યના અભ્યાસી પ્રોફેસર મધુસૂદન ઢાંકીના પત્ની ગીતાંજલિબહેનનું બુધવાર
23 મે 2012ના રોજ અમદાવાદમાં અવસાન થયું. તેમની સાથે કોઈ અંગત પરિચય તો નહોતો કે કદી મળવાનું પણ નહોતું થયું. મને લાગે છે અહીં કે આગળ ઉપર લખવા માટે એ કંઈ જરૂરી પણ નથી. વ્યક્તિ સાથે અંગત પરિચય હોવો એ કંઈ લખવા માટેની લાયકાત થોડી છે? હા, લાયકાત તો ગીતાંજલિબહેને મેળવી હતી – તેમની, તેમના જવાની નોંધ લેવી પડે તેવી.

        ચોરાસી વર્ષના મધુસૂદન ઢાંકીને / Madhusoodan Dhanki (જન્મતારીખ
: 31 જુલાઈ 1927) ગયા વર્ષે 2010નો શ્રી રણજિતરામ સુવર્ણચંદ્રક અર્પણ થયો ત્યારે પ્રકટ થયેલા તેમના પરિચયમાં ગીતાંજલિબહેનના પ્રદાનની પણ નોંધ લેવાઈ છે.
ચંદ્રક અર્પણ સમારંભમાં ડાબેથી હેમન્ત દવે, કુમારપાળ દેસાઈ,
ભોળાભાઈ પટેલ, મધુસૂદન ઢાંકી, પ્રદીપ મહેંદીરત્તા અને ગીતાંજલિબહેન ઢાંકી

        નડિયાદ – વલ્લભ વિદ્યાનગરના પ્રાધ્યાપક હેમન્ત દવેએ લખેલા એ પરિચયનો શબ્દશઃ – અંશતઃ પાઠ આ રહ્યો.....
ઢાંકીસાહેબની આ વિદ્યાયાત્રા તેમનાં જીવનસંગિની ગીતાંજલિબહેન વિના સંભવિત નહોતી એમ બેહિચક કહી શકાય. કપરામાં કપરા સમયે પણ તેઓ સાહેબના પડખે ઊભાં રહ્યા છે, તેમને હિમ્મત બંધાવી છે, સંશોધન માટે પ્રોત્સાહન આપ્યું છે. સાહેબના પુસ્તકો, લેખોની સ્વચ્છ – સુવાચ્ય પ્રતો તૈયાર કરવી, સંશોધનમાં ઉપયોગી પુસ્તકાદિ હાથવગાં રાખવાં, ઢાંકીસાહેબની તમામ નાનીનાની બાબતોનું ધ્યાન રાખવું, બલકે એક નાના બાળકની રખાય તેવી કાળજી તેમણે ઢાંકીસાહેબની રાખી છે. ઢાંકીસાહેબ છેલ્લી માંદગીમાંથી જો ઊઠી શક્યા તો તે ગીતાંજલિબહેનના નિઃસ્વાર્થ, નિર્વ્યાજ પ્રેમથી જ, અને એ આખા સમયનો આ લખનાર સાક્ષી છે. આ સન્માન એથી ઢાંકીસાહેબનું જેટલું છે તેટલું જ ગીતાંજલિબહેનનું પણ છે.
મધુસૂદન ઢાંકી, હેમન્ત દવે અને ગીતાંજલિબહેન ઢાંકી

મને લાગે છે શ્રીમતી ગીતાંજલિબહેન મધુસૂદન ઢાંકીને શ્રદ્ધાંજલિ પાઠવવા તેમના પરિચયમાં અપાયેલા આ શબ્દો જ પૂરતા છે. એવો પરિચય આપનાર હેમન્ત દવેએ વધુમાં જણાવ્યું કે સ્થાપત્ય અભ્યાસ માટે ઢાંકીસાહેબના દેશ-પરદેશના પ્રવાસમાં તેઓ હંમેશા સાથે રહી તેમની દૈનિક સગવડોનો ખ્યાલ રાખતા એ તો સામાન્ય વાત થઈ. એ ઉપરાંત સાથે રાખેલું અભ્યાસલક્ષી સાહિત્ય જરૂર પડે રેફરન્સ મેળવવા ઉપલબ્ધ કરી આપતા. જે વિગતો ન હોય તેની યાદી બનાવતા અને પ્રવાસ બાદ તે માહિતી ક્યાંથી મળી શકે તેનું ફોલોઅપ કરતા. એ માટે કરવા પડતા ફોન – પત્રવ્યવહારમાં ઢાંકીસાહેબની સાથે તેમની સામેલગીરી હોય જ. પ્રકટ થવા મોકલાતા સંશોધનપત્રો, લેખો કે પુસ્તકો માટેની પ્રેસકોપી તેઓ તૈયાર કરતા.
પોસ્ટ સાથેના આ ફોટા ઢાંકીસાહેબને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ – અમદાવાદ ખાતે વર્ષ 2010નો શ્રી રણજિતરામ સુવર્ણચંદ્રક શનિવાર19 નવેમ્બર 2011ની સાંજે અર્પણ થયો ત્યારે પાડ્યા હતા. ગીતાંજલિબહેન માટે લખાયેલા શબ્દો અને એ લખનાર હેમન્ત સુધ્ધાંના સેવા – સમર્પણ છતા થતા દેખાય એ જ આ છબિનું મૂલ્ય.

Tuesday, May 22, 2012

વડાપ્રધાન પદ પામવાની અમદાવાદી ફોર્મ્યૂલા


વડાપ્રધાન. ભારતનું વડાપ્રધાન પદ. કયા રાજકારણીને એ પામવાની ઇચ્છા ન હોય? સક્રિય રાજકારણમાં ધોરણસરનો સમય પસાર કર્યો હોય એવા કોઈ પણને આ પદ પામવાની ઇચ્છા હોય જ. આવી કોઈ ઇચ્છા નથી એવું જો કોઈ કહે તો સમજવું કે કાં તો એ વ્યક્તિ રાજકારણી નથી કાં તો જૂઠ્ઠું બોલે છે. આજની તારીખે તો શું, કોઈ પણ વર્ષની કોઈ પણ તારીખે વડાપ્રધાન / Prime Minister of India પદની ઇચ્છા રાખનારની યાદીમાં દોઢ – બે ડઝન નામ તો હોય...હોય...ને હોય જ. ખૂટતું હોય તો આપણું નામ ઉમેરી દેવું. યાદી પુરી કરવાની એ સહેલી રીત છે. હું એમ જ કરું છું.
ખેર! આ તો એક વાત થઈ. મોરારજી દેસાઈના અપવાદને બાદ કરતા અને પી.વી. નરસિંહરાવ વડાપ્રધાન પદે આવ્યા ત્યાં સુધી ભારતીય રાજકારણ અને વડાપ્રધાન પદ સાથે એક વાત એરલ્ડાઇટની જેમ જોડાઈ ગઈ હતી કે – દેશને વડાપ્રધાનની ભેટ તો ઉત્તર પ્રદેશ જ આપે છે. વાત પણ સાચી હતી. ઉપરના બે અપવાદમાં ગુલઝારીલાલ નંદાએચ.બી. દેવગૌડા, ઇન્દરકુમાર ગુજરાલ અને હાલના વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહનું એમ વધુ ચાર નામ ઉમેરો તો ખ્યાલ આવશે કે જવાહરલાલ નેહરૂથી લઈને અટલ બિહારી વાજપેયી સુધીના વડાપ્રધાનો ઉત્તરપ્રદેશના રાજકારણ સાથે નાતો ધરાવતા હતા.
ખેર! આ તો બીજી એક વાત થઈ. પણ એટલું કહું કે ચરણસિંહ ચૌધરી અને ચંદ્રશેખર સિવાયના એક ડઝન વડાપ્રધાનોમાંથી કોઈએ આ પદ મેળવવા કાવા-દાવા કર્યા નથી. દેશના સર્વોચ્ચ બંધારણીય પદોમાંના એક ગણાતા એવા સ્થાન પર તેઓને કોઈ તિકડમબાજી કર્યા વગર જ સ્થાન મળ્યું છે. યાદી જુઓ એટલે સમજાઈ જશે. જેમ કે.....
જવાહરલાલ નેહરૂ – પ્રથમ વડાપ્રધાન. રાષ્ટ્રપિતા ગાંધીજીએ મંજૂરીની મહોર મારેલું નામ.
ગુલઝારીલાલ નંદા – જવાહરલાલ નેહરૂ અને લાલ બહાદુર શાસ્ત્રીના અવસાનના પગલે ચૌદ – ચૌદ દિવસના ટૂંકા ગાળાની બે મુદત માટે પદ પર આવેલા.
લાલ બહાદુર શાસ્ત્રી – જવાહરલાલ નેહરૂના અવસાન પછી જાહેર થયેલું સર્વસંમત નામ.
ઇન્દિરા ગાંધી – લાલ બહાદુર શાસ્ત્રીના અવસાન પછી જાહેર થયેલું સર્વસંમત નામ.
મોરારજી દેસાઈ – કટોકટી સમાપ્ત થયે સત્તા પરિવર્તન માટે જાહેર થયેલું સર્વસંમત નામ.
રાજીવ ગાંધી – ઇન્દિરા ગાંધીની હત્યાના પગલે જાહેર થયેલું સર્વસંમત નામ.
વિશ્વનાથ પ્રતાપસિંહ – સત્તા પરિવર્તનનો યોગ બીજી વાર સર્જાતા જાહેર થયેલું સર્વસંમત નામ.
પી.વી. નરસિંહરાવ – રાજીવ ગાંધીની હત્યાના પગલે જાહેર થયેલું સર્વસંમત નામ.
અટલ બિહારી વાજપેયી – સત્તા પરિવર્તનનો યોગ ત્રીજી વાર સર્જાતા જાહેર થયેલું સર્વસંમત નામ જેનો લાભ વાજપેયીને સતત ત્રણ ટર્મમાં મળ્યો.
એચ.બી. દેવગૌડા – વાજપેયી સરકારે ટુંકા ગાળામાં બહુમતી ગુમાવતા જાહેર થયેલું એવું સર્વસંમત નામ જે પદ પર આવવાના આગલા દિવસ સુધી કર્ણાટકના મુખ્યમંત્રી પદે બિરાજમાન હતું.
ઇન્દરકુમાર ગુજરાલ – દેવગૌડા સરકારે બહુમતી ગુમાવતા જાહેર થયેલું એવું સર્વસંમત નામ જેણે વિદેશ પ્રધાન જેવા મહત્વના હોદ્દા પર રહીને પણ સર્વોચ્ચ પદ પામવાના કોઈ કાવા-દાવા કર્યા નહોતા.
ડૉ. મનમોહન સિંહ – સત્તા પરિવર્તનનો યોગ ચોથી વાર સર્જાતા જાહેર થયેલું સર્વસંમત નામ.
ખેર! આ તો ત્રીજી જ એક વાત થઈ. પરંતુ ઉત્તર પ્રદેશનું રાજકીય બેકગ્રાઉન્ડ પણ ના ધરાવતા હોઈએ અને પદ પર પહોંચવા માટેની તિકડમબાજી પણ ના કરવી હોય (અથવા આવડતી ના હોય) તો દેશના આ સર્વોચ્ચ સ્થાને પહોંચવાની કોઈ ચોથી જ એવી તરકીબ છે ખરી?
હા, છે.
ક્યાં?
અમદાવાદમાં.
શું વાત કરો છો.
જુઓ, આ અમદાવાદ છે ને તે એક એવું શહેર છે જેણે દેશના એક નહીંબબ્બે નાણામંત્રીઓને વડાપ્રધાન બનવાની તક પૂરી પાડી છે.
યાર જરા ફોડ પાડીને વાત કરો.
જુઓ સમજાવું. મોરારજી દેસાઈની તો ખબર નથી પણ વિશ્વનાથ પ્રતાપસિંહ અને ડૉ. મનમોહન સિંહને તો આ અમદાવાદ શહેરે જ વડાપ્રધાન બનાવ્યા છે.
કેવી રીતે?
એ બન્નેએ કેન્દ્રીય નાણામંત્રીના હોદ્દા પર રહેતા અમદાવાદ આવીને જે તે બેન્કની મુખ્ય શાખાનું ઉદ્ઘાટન કર્યું તેના કેટલાક સમય પછી તેઓ બન્ને ભારતનું વડાપ્રધાન પદ પામ્યા, કોઈ કાવા-દાવા કર્યા વિના.
ના હોય?
જુઓ, આ રહ્યા ફોટા.

કાલુપુર બેન્કની નવી બંધાયેલી ઈમારતનું 26જૂન 1986ના દિને
 ઉદ્ઘાટન કરતા કેન્દ્રીય નાણાંમંત્રી વિશ્વનાથ પ્રતાપસિંહ સાથે ફોટામાં
 ડાબેથી પાંચમા યોગેન્દ્ર મકવાણા (કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી), 
અરવિંદ સંઘવી (ગુજરાતના નાણાંમંત્રી), બળદેવભાઈ ડોસાભાઈ પટેલ 
(કાલુપુર બેન્કના ચેરમેન) અને અમરસિંહ ચૌધરી (ગુજરાતના મુખ્યમંત્રી)


       ઇન્કમટેક્ષ ચાર રસ્તા નજીક આજે પણ કાર્યરત એવી કાલુપુર બેન્કની / Kalupur Bank હેડ ઓફિસનું ઉદ્ઘાટન વિશ્વનાથ પ્રતાપસિંહે
26 જૂન 1986ના રોજ કર્યું એ પછીના ચોથા વર્ષે એ દેશના વડાપ્રધાન પદે પહોંચી ગયા હતા.


એ રીતે ડૉ. મનમોહન સિંહે 2 એપ્રિલ 1994ના દિને નેહરૂબ્રીજ સામેના સાકાર – 1 બિલ્ડીંગમાં યુટીઆઈ બેન્કની / UTI Bank Limited મુખ્ય શાખાનું ઉદ્ઘાટન કર્યું તેના અગિયારમા વર્ષે 2004માં તેઓ વડાપ્રધાન પદે આરૂઢ થયા હતા. અરે, આજકાલ કરતાં એ ઘટનાને આજે 22મી મે ના દિવસે આઠ વર્ષ પૂરા પણ થયા. હા, યુટીઆઈ બેન્કનું નામ અને સ્થાન બન્ને બદલાઈ ગયા છે. હવે તે એક્સિસ બેન્કના / AXIS Bank Limited નામે લૉ-ગાર્ડન નજીક સમર્થેશ્વર મહાદેવ સામે કામ કરતી જોવા મળે છે.
ઇન્કમટેક્ષ સ્થિત કાલુપુર બેન્કની ઈમારત

       એટલે શું છે કે દેશના વડાપ્રધાન પદે પહોંચવાની એક ચાવી ઉત્તર પ્રદેશ પાસે છે તો બીજી ચાવી ગુજરાતના અમદાવાદ શહેર પાસે છે. માનો યા ના માનો, મરજી છે આપની. હા, એના માટેના ઇચ્છુક જણે અમદાવાદમાં બેન્કની શાખાનું ઉદ્ઘાટન કરવું પડે. અને હા, રિવરફ્રન્ટની રેતીનો ઢગલો સહેજ મોટો કરીને બેન્કનું નામ આપી રિબન કાપી દેવા માત્રથી પણ કંઈ ઉદ્ઘાટન થતું નથી કે નથી થવાતું વડાપ્રધાન.

ડૉ. મનમોહન સિંહે અમદાવાદમાં બેન્કની આ 
ઈમારતનું ઉદ્ઘાટન કર્યુંત્યારે 1983માં રિઝર્વ બેન્ક 
ઓફ ઇન્ડિયાના ગવર્નર હતા

બેન્ક ઉદ્ઘાટનનો ફોટો સૌજન્ય : કાલુપુર બેન્ક

એ સિવાયની તસવીરો : બિનીત મોદી

Thursday, May 17, 2012

રમેશ પારેખ : છ અક્ષરના નામની વિદાયને વરસ થયા છ


રમેશ પારેખ / Ramesh Parekh
27-11-1940થી 17-05-2006

        ગુજરાતી ભાષા લખતા– વાંચતા આવડતી હોય, સાહિત્ય વાંચન ગમતી બાબત હોય, કવિતાને ચાહતા હો તો પછી માની લો કે રમેશ પારેખ / Ramesh Parekh પ્રત્યે પ્રીતિ હોયહોય...ને હોય જ. આ અફર બાબત છે; ગમે તો વધાવી લો, એવી રીતે જાણે અમરેલી / Amreli નગરે કવિને વધાવ્યા હતા. 1991માં કવિના જન્મદિને (27 નવેમ્બર) વનપ્રવેશની પૂર્ણાહૂતિ રંગે-ચંગે ઉજવાઈ ત્યારે વતન એવું અમરેલી ગામ આખું હિલોળે ચઢ્યું હતું. માત્ર સાહિત્યિક સામયિકો નહીં, દૈનિક અખબારો માટે પણ રમેશ પારેખના વનપ્રવેશની પૂર્ણાહૂતિ એ સમાચાર હતા. એમ સમજો કે જે છાપાંઓએ જિંદગી ધરીને તેમની કવિતા નહોતી પ્રકટ કરી તેણે પણ આ ઉજવણીના સમાચારની નોંધ લીધી હતી. ટૂંકમાં કવિ તેમની કવિતાઓની જેમ જ છાપાંઓમાં છવાઈ ગયા હતા. છ અક્ષરના નામનો એ પહેલો પરિચય હતો. કવિના વનપ્રવેશની ઉજવણીમાં તો કંઈ સામેલ નહોતું થઈ શકાયું પરંતુ પરોક્ષ રીતે સામેલ થવાનું શક્ય બન્યું ખરું. કઈ રીતે?

        રજનીકુમાર પંડ્યા / Rajnikumar Pandya સાથે નિયમિત ધોરણે કામ કરતો એ અરસામાં તેમના સ્વર્ગસ્થ પિતા દેવરામભાઈ પંડ્યા વિશે તેમણે એક લેખ સુરતથી પ્રકટ થતા
ઉત્સવ પાક્ષિકને મોકલ્યો હતો. સાથે લેખને અનુરૂપ તસવીરો પણ ખરી. લેખ પ્રકાશિત થયો એ પછી કોઈ સામાજિક કામે મારે સુરત જવાનું થયું. રજનીકાકાએ એક કામ સોંપ્યું કે તારે યાદ રાખીને એ તસવીરો પરત લઈ આવવાની. ચીંધેલું કામ પાર પાડવા ઉત્સવની ઓફિસે પહોંચ્યો અને તંત્રી ભીખેશ ભટ્ટને મળ્યો. તસવીરો તો પરત મળી જ. ભીખેશભાઈએ બીજું એક કવર હાથમાં મુકતા કહ્યું, “રમેશ પારેખના વનપ્રવેશની તસવીરો છે. અમે નોંધ લઈ લીધી છે. હવે આ ફોટા અમારે કશા કામના નથી. તું ઇચ્છે તો લઈ જઈ શકે છે. એ ફોટા હજી આજેય મારી પાસે સચવાયેલા છે. કવિ રમેશ પારેખનું મારા માટે એ કાયમી સંભારણું છે.

સમગ્ર કવિતા 'છ અક્ષરનું નામ'નું હરીન્દ્ર દવેના હસ્તે લોકાર્પણ,

સાથે છેલભાઈ વ્યાસ, હર્ષદ ચંદારાણા, ડૉ. ભરત કાનાબાર અને વસંત પરીખ


        
માનવીની ભવાઈ ફિલ્મ કવિ સાથે બેસીને જોયાનું સ્મરણ છે. પન્નાલાલ પટેલની જાણીતી – જ્ઞાનપીઠ એવોર્ડથી પોંખાયેલી નવલકથા માનવીની ભવાઈ / Manvini Bhavai પરથી એ જ નામે ઉપેન્દ્ર ત્રિવેદીએ નિર્માણ કરેલી ગુજરાતી ફિલ્મમાં રમેશ પારેખે એક ગીત લખ્યું હતું.....કાળુ તારે તે કેડિયું ક્યાંથી લ્યા.....અમદાવાદના શિવ સિનેમામાં ફિલ્મનો પ્રિમિઅર શો યોજાયો ત્યારે રજનીકુમાર પંડ્યાએ તેમની સાથે ઓળખાણ કરાવી. એ સમયે તેમને પગમાં ફ્રેક્ચર થયું હતું. કોઈની મદદ લીધા વિના કે ટેકા વગર ડગ ના માંડી શકે. કવિની બીડીની તલબ હવે જાણીતી વાત થઈ ગઈ છે, એ સમયે નહોતી. ચાલુ ફિલ્મે જ એમણે રજનીકાકાને કહ્યું કે બાથરૂમ જવું પડશે. ઑડિટોરિયમની બહાર નીકળીને લયમાં બોલ્યા...બાથરૂમ તો એક બહાના હૈ, બીડી કા કસ લગાના હૈ.

        કવિ સાથે ઓળખાણ થઈ પરંતુ અંગત પરિચયમાં કદી આગળ ન વધી શક્યો. રાજકોટ – અમદાવાદનું અંતર પણ તેમાં કારણભૂત ખરું. મિત્ર જિતુ વઢવાણા થકી કવિ રાજેન્દ્ર શુક્લના / Rajendra Shukla પરિચયમાં આવવાનું થયું ત્યારે એ બન્ને વચ્ચેની મિત્રતા જોતાં એવી તક મળશે એવી આશા જરૂર જાગી પણ એ દિવસો આવ્યા જ નહીં. હા
, જિતુએ પોતે પ્રોડક્શન કરેલી રમેશ પારેખના ગીતોની એક ઑડિયો કેસેટ 'ગીત હાળાં ધક્કા-મુક્કી થાય' આપી જે વારંવાર સાંભળવી ગમે એવી છે. હવે તો તેની સીડી પણ બની છે.
રમેશ પારેખ - રાજેન્દ્ર શુક્લ : મૈત્રીનો અભિષેક
રમેશ પારેખનો પોસ્ટમાં સૌથી ઉપરનો અને રાજેન્દ્ર શુક્લ સાથેનો આ ફોટો રવિવાર, 4 સપ્ટેમ્બર 2005ના રોજ ગજ્જર હોલ ખાતે આયોજિત કવિ રાજેન્દ્ર શુક્લના કાવ્યસંગ્રહ ગઝલ સંહિતાના વિમોચન – સ્વરાભિષેક પ્રસંગે અમદાવાદ આવ્યા ત્યારે પાડ્યો હતો. વીસમી સદીના ઉત્તરાર્ધની ગુજરાતી કવિતાનો પર્યાય ગણાય એવા રમેશ મોહનલાલ પારેખની સરળતા જ આ ફોટો જોયાની પળે યાદ આવે. કેવી સરળતા? ફોટો પડાવવા માટે તેમને વિનંતી કરી. ગીત-સંગીતના કાર્યક્રમ પછી સ્ટેજ પરના ગાદી-તકિયા એમને એમ જ હતા. એ ગંદા ન થાય તેનો ખ્યાલ કરતા ફોટો પાડવા માટે હું કોઈ સારા લોકેશનની શોધમાં હતો. તો મને કહે કે તમે હાથ પકડીને જ્યાં ઊભા રાખશો ત્યાં ઊભા રહીશું, તમે ફોટો પાડી લેજો. પાડી લીધો. એ ફોટા વારે-વારે જોઈને એટલું જ કહેવાનું મન થાય કે એ ક્ષણો પાછી મળે. તેમની કવિતાઓ વાંચતા – પઠન કરતાં હંમેશા લાગ્યું છે કે આ કવિતાઓ તો ગીત-સંગીતની સંગતમાં જ સંભળાય. તેમની સદાય રહેનારી સ્મૃતિને સંકોરતી આ એક કવિતા.....

વરસાદ ભીંજવે
આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે
ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઊગ્યું રે વરસાદ ભીંજવે
અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે
નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે
દરિયા ઊભા ફાટ્યા રે વરસાદ ભીંજવે
ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે
ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે
પગના અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો રે વરસાદ ભીંજવે
નેવાં નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે
બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે
લીલો ધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે
અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે
થરથર ભીંજે આંખકાન, વરસાદ ભીંજવે,

        કોને કોનાં ભાનસાન, વરસાદ ભીંજવે.


ખુદની કવિતા આસિત દેસાઈના મુખે સાંભળતા રમેશ પારેખ



Monday, May 07, 2012

પન્નાલાલ પટેલ : હયાતીના હસ્તાક્ષર


પન્નાલાલ પટેલ : જન્મસ્થળ માંડલી (ડુંગરપુર, રાજસ્થાન)નું ઘર
તસવીર : બીરેન કોઠારી

ઇઠ્યોતેરમો જન્મદિન પરિવાર સાથે ઉજવે તેના ઠીક એક મહિના પહેલા જીવનલીલા સંકેલી લેનાર વાર્તાકાર
નવલકથાકાર / Gujarati Author પન્નાલાલ પટેલનું શતાબ્દી વર્ષ આજે 7 મે 2012ના રોજ પૂર્ણ થાય છે. ગઈકાલના કે આજના ગુજરાતને અલગ અલગ સંદર્ભે જેની સાથે નિકટનો નાતો રહ્યો છે એવા પડોશી રાજ્ય રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના માંડલી ગામે 7 મે 1912ના રોજ જન્મેલા પન્નાલાલ પટેલ / Pannalal Patel 6 એપ્રિલ 1989ના રોજ અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમ નજીક આવેલી પ્રજ્ઞા સોસાયટીના ઘરમાં અવસાન પામ્યા. તેમનો આ ફોટો પ્રજ્ઞા સોસાયટીના ઘરના ડ્રોઇંગ રૂમમાં ડિસેમ્બર – 1988ના અંતિમ દિવસોમાં પાડ્યો હતો.

પન્નાલાલ પટેલ/ Pannalal Patel ( 07-05-1912થી  06-04-1989)



શતાબ્દી વર્ષની પૂર્ણાહૂતિ ટાણે મારે આ ફોટા પાછળની વાત જ કહેવી કરવી છે. તેમના સાહિત્યની વાત મીમાંસા નથી કરવી. એ હું કરી ન શકું, મારી લાયકાત પણ નથી.

કોમર્સ કૉલેજના ભણતરનું મારું પહેલું વર્ષ હતું. એ પહેલાં વાંચવાનો શોખ કેળવાયેલો. એલ.જે. કૉલેજની લાઇબ્રેરી કે એમ.જે. લાઇબ્રેરીમાં ઉપલબ્ધ હોય તેવી પન્નાલાલની નવલકથાઓ વાંચી હતી એટલે લેખકને મળવા જવાની ઇચ્છા થયા કરે. બીજું કારણ તે નાટ્યકાર ભરત દવેએ માનવીની ભવાઈનવલકથા પરથી આ જ નામે બનાવેલું ફૂલ-લેન્થ નાટક. ગુજરાતી સાહિત્ય પરિષદના મેઘાણી પ્રાંગણમાં ભજવાયેલું આ નાટક જોયા પછી તેમને મળવાની ઇચ્છા બળવત્તર બની તો ભિલોડાના ધારાસભ્ય પદે ચૂંટાઈને રાજકીય ક્ષેત્રે પ્રવૃત્ત થયેલા અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદીની માનવીની ભવાઈનામે ફિલ્મ બનાવવાની જાહેરાતે તેમાં ઉમેરો કર્યો. નવલકથાની પ્રસ્તાવનાના અંતે આવતું એડ્રેસ નોંધી લઈને બે-ત્રણ વાર એમના ઘર પાસેથી પસાર થયો પણ અંદર જઈને મળવાની તો શું બંગલાનો ઝાંપો ખખડાવવાની હિંમત પણ ના ચાલી. સંકોચ થતો હતો. મનમાં થતું કે તેમને મળીને શું વાત કરીશ? બીજી તરફ લેખકને મળવાનો અંદરથી ધક્કો વાગવાનું સમાંતરે ચાલુ રહ્યું. બહુ લાંબુ પણ ન ચાલ્યું એ અને એકવાર તેમના ઘરે પહોંચી જ ગયો કેમેરા સાથે. એટલા માટે કે.....

પન્નાલાલ પટેલ : કર્મભૂમિ અમદાવાદનું ઘર
તસવીર સૌજન્ય : ભરત પન્નાલાલ પટેલ 

એ દિવસોમાં જ તસવીરકાર જગન મહેતા વિશે રજનીકુમાર પંડ્યાની કોલમમાં વાંચ્યું હતું. ગાંધીજીની
ટુવર્ડસ્ ધ લાઇટતસવીરથી જગવિખ્યાત અને પૉર્ટ્રેટ ફોટોગ્રાફીમાં જેમનો જોટો ના જડે તેવા જગન મહેતા સમકાલીન સાહિત્યકારોની તસવીરો પાડતા. જો કે પરિષદ / Gujarati Sahitya Parishad જેવી સાહિત્યની શીર્ષસ્થ સંસ્થાને તેમના એ ફોટાનો કશો ખપ નહોતો એ જાણીને દુઃખી થયેલા જગનદાદાએ આગળ ઉપર એ કામ કરવાનું છોડી દીધાનું જાહેર કર્યું હતું. પરિષદ કે જગનદાદા વિશે એ સમયે વિશેષ કશું જ ન જાણતા મને લેખમાં આ વાત વાંચીને થયું કે કોઈકે તો આ કામ આગળ વધારવું રહ્યું. પન્નાલાલ પટેલને મળવા જતાં જગનદાદાનો લેખ અને તેમની વાત યાદ આવી એટલે જ કદાચ કેમેરા સાથે પહોંચ્યો તેમના ઘરે. ઓવર ટુ પ્રજ્ઞા સોસાયટી.....બંગલા નંબર પંદર.....

સાંજના સમયે મળવા ગયો ત્યારે એ માંદગીથી થાકેલા હતા. જમવાનો સમય પણ થઈ ગયો હતો. પરિવારજનોમાં મોટા પુત્ર અરવિંદભાઈ હાજર હતા. બાપુજીકહી તેમણે મારા મળવા આવવાનું કારણ જણાવ્યું એટલે રાજી થયા. ઘરના સભ્યોની ઓળખાણ કરાવતા કહ્યું કે, ‘નાનો ભાઈ ભરત અમેરિકા છે. તે રઘુવીર ચૌધરીની દીકરી દૃષ્ટિ સાથે પરણ્યો છે એટલે એ નાતે તેઓ અમારા વેવાઈ થાય.મેં ફોટો પાડવાની તૈયારી કરી તો એમણે કપડાં વ્યવસ્થિત કરતા સ્વેટર પહેર્યું.

પન્નાલાલ પટેલનો ફોટો પાડ્યાના ત્રેવીસ વર્ષ પછી જ્યારે જ્યારે આ ફોટો જોઉં છું ત્યારે એક રોમાંચ થાય છે. કેમ ન થાય? સાહિત્યિક કાર્યક્રમોના કે સાહિત્યકારોના ફોટા તો આજેય હું પાડું છું. પણ હા, એ ક્રમમાં આ પહેલો ફોટો છે. આજે એ યાદ કરવું ગમે છે કે પન્નાલાલને મળવાનું મન તેમના સાહિત્ય જેવી જ બળકટ પ્રતિક્રિયાને કારણે પણ થયું હતું. શી હતી એ બળકટ પ્રતિક્રિયા? 1985માં તેમને ભારતીય જ્ઞાનપીઠનો પુરસ્કાર જાહેર થયો ત્યારે સન્માન અંતર્ગત અપાનારા એક લાખ રૂપિયાના રોકડ પુરસ્કાર બાબતે પ્રતિભાવ આપતા એમણે જણાવ્યું કે.....જિંદગીમાં પહેલીવાર છ આંકડાની રકમ જોઈ રહ્યો છું.એવોર્ડ સન્માનો પુરસ્કાર તો ઘણા અપાય છે, વર્ષો-વર્ષ જાહેર થાય છે...પણ તેનો આવો બળકટ પ્રતિભાવ આટલા વર્ષોમાં ફરી સાંભળવા મળ્યો નથી. એટલું જ નહીં, પન્નાલાલના સાહિત્ય સંદર્ભે પ્રકાશિત અધ્યયન ગ્રંથ કે શતાબ્દી નિમિત્તે થયેલા કાર્યક્રમોમાં પણ આ શબ્દો ઉલ્લેખાયા નથી.

થોડા વખત પછી ફોટાની પ્રિન્ટ લઈને તેમના હસ્તાક્ષર લેવા ઘરે ગયો ત્યારે અગાઉ જેવો કોઈ સંકોચ નહોતો રહ્યો. ઇચ્છ્યું કે ફોટાની પાછળ તેઓ તેમનો ઉપરોક્ત પ્રતિભાવ – ‘જિંદગીમાં પહેલીવાર છ આંકડાની રકમ જોઈ રહ્યો છુંલખીને હસ્તાક્ષર કરી આપે. પણ એટલું લખવા જેટલી શારીરિક શક્તિ રહી નહોતી એટલે માત્ર ઑટોગ્રાફથી જ સંતોષ માની લીધો. દિવસ હતો શનિવાર 18 ફેબ્રુઆરી 1989. બસ એ પછીના દોઢ મહિને 6 એપ્રિલ 1989ના રોજ તેઓ અવસાન પામ્યા.