પ્રતિભાવો ઉર્ફે Comments

Wednesday, August 14, 2013

વાત ભૂલી ના ભુલાય : શુકનના સવા રૂપિયાની શોધ


મૂળમાં સ્વભાવગત લક્ષણો અને તેમાં ભળેલા પત્રકારત્વ, પ્રચાર સામગ્રી લેખન (કોપીરાઇટીંગ – વ્યવસાયી લેખન) અને ભાષાંતર કરવાના વ્યવસાયી કામને કારણે રોજિંદી રખડપટ્ટી કે રોજેરોજ નવી વ્યક્તિઓના સંપર્કમાં આવવું તે સામાન્ય બની ગયું છે. જાત-ભાતની ઘટનાઓ અને પરિસ્થિતિ સાથે પનારો પાડવાનો આવે.

એ સિવાય ‘ડાફોળિયા મારવા’ નામની બાયપ્રોડક્ટ પણ ખરી. એ બાયપ્રોડક્ટને કારણે જે કંઈ જોવા – જાણવા મળ્યું હોય કે અનુભવ્યું હોય તેનું આલેખન કરવાની ઇચ્છા માત્રથી આ પ્રસંગકથા માંડી છે. આ એવા અનુભવો છે જે મારાથી ભૂલ્યા ભુલાતા નથી. આવા અનુભવો મેળવનારો હું એકલો, પહેલો કે છેલ્લો નથી એવી પાકી સમજણ છતાં ઊંડે ઊંડે મને થતું રહ્યું કે મારે તેને શબ્દદેહ આપી જાહેર માધ્યમમાં મુકવા જોઇએ. એ વિચારોનું પરિણામ એટલે આ પ્રારંભ.....આપના પ્રતિભાવો કમેન્ટ બોક્ષમાં આવકાર્ય.....
-  બિનીત મોદી

વાત ભૂલી ના ભૂલાય : શુકનના સવા રૂપિયાની શોધ


ઑગસ્ટ મહિનો આવે એટલે તહેવારોનું આગમન થયું એવી છડી પોકારાય. ગણેશ મહોત્સવ, નવરાત્રી, દુર્ગાપૂજા મહોત્સવ જેવા સાર્વજનિકપણે ઉજવાતા તહેવારોનું શહેરી આયોજન એવું ઝાકઝમાળભર્યું હોય કે ફંડ-ફાળા અને ફરજિયાત ઉઘરાણાથી જ આયોજકો તેની તૈયારીની શરૂઆત કરતા હોય. આજે મારા બારણે પણ ટકોરા પડ્યા...
‘ગણેશ મહોત્સવનો ફાળો લખાવો.’

આ શાબ્દિક ટકોરો મને પચીસ – ત્રીસ વર્ષ પહેલાંના અમદાવાદમાં લઈ ગયો. મણિનગરમાં બા-દાદા સાથે મામાના ઘરે રહીને અગિયારમું ધોરણ ભણતો હતો. એક દિવસ એ ઘરના બારણે પણ આવા જ ટકોરા પડ્યા હતા...‘ગણેશ મહોત્સવનો ફાળો લખાવો.’
સાર્વજનિક ગણેશ મહોત્સવ (વર્ષ : 2006) નેહરૂ પાર્ક, વસ્ત્રાપુર, અમદાવાદ (*)
સ્કૂલેથી આવેલો હું બારણું ખોલીને ઊભો રહ્યો અને દાદા અંદરના રૂમમાં જઈ તેમની ટેવ પ્રમાણે ઝભ્ભો લઇને બહાર આવ્યા. ખિસ્સામાંથી બે સિક્કા કાઢીને મને આપ્યા. મેં એ ટોળામાં ઊભા રહેલા પહેલા છોકરાના હાથમાં મૂક્યા. સિક્કા શું મુક્યા...એના હાથમાં જાણે કરન્ટ – શૉક લાગ્યો હોય તેમ એણે એ સિક્કાનો છૂટો ઘા કર્યો...‘કાકા...ભીખ આપો છો કે શું? ઓછામાં ઓછા અગિયાર કે એકવીસ રૂપિયા લખાવવાના હોય તમારે.’ (આ વાત ઑગસ્ટ 1986ની છે.)

રૂમમાં સોફાસેટની નીચે સરકી ગયેલો એક રૂપિયાનો અને પચીસ પૈસાનો એક-એક સિક્કો શોધીને દાદાએ ફરી પેલાના હાથમાં મૂક્યો અને કહ્યું...‘શુકનનો સવા રૂપિયો છે. આમ ફેંકાય નહીં. લઈ લો.’ જો કે તેમને મન આ શુકનની કોઈ કિંમત નહીં હોય તે સવા રૂપિયો મારા હાથમાં થમાવીને દાદરો ઉતરી ગયા. જતા-જતા ગાળો પણ બોલતા ગયા. દાદાએ તેમને પડકાર્યા તો વધારે ઝડપથી દાદરા ઉતરીને ભાગવા માંડ્યા. એમના ચહેરા યાદ રાખીને સાંજે તેઓ અપાર્ટમેન્ટની નજીકમાં આવેલી દક્ષિણી સોસાયટીમાં ફરિયાદ કરવા પણ ગયા હતા જ્યાં ગણેશ મહોત્સવનું આયોજન થતું હતું.

પચીસ વર્ષ ઉપરાંતનો સમય વીતી ગયા પછી ઉપરોક્ત ઘટના યાદ આવી કેમ કે આજે ફરીથી સાંભળવા મળ્યું...‘ગણેશ મહોત્સવનો ફાળો લખાવો.’ હું બારણું ખોલીને ઊભો રહ્યો અને મમ્મી અંદરના રૂમમાં જઈ હાથમાં એકવીસ રૂપિયા સાથે બહાર આવી. ફાળો નોંધનારા કોઈ દલીલ વગર પહોંચ ફાડીને જતા રહ્યા. આ પ્રકારના ફંડ-ફાળા જોર-જબરજસ્તીથી જ ઉઘરાવાય છે એવા ભૂતકાળના અનુભવથી તદ્દન સામા છેડાની ઘટના હતી. જોર-જબરજસ્તી પૂરેપુરાં નાબૂદ થઈ ગયા છે એવું માનવાનું પણ કોઈ કારણ મારી પાસે નથી. છતાંય કંઈક ફેરફાર થઈ રહ્યો હોય એવો...ભલે પાશેરાની પહેલી પૂણી હોય...તો ય નવો અનુભવ થયો ખરો.

સંદર્ભ જુદો છે પણ પ્રસંગ ગણેશોત્સવનો અને ઘટના તેની આસપાસની જ છે. ત્રણ વર્ષ પહેલાંની વાત છે. ઘરની સામે જ ગણેશોત્સવનું આયોજન થાય છે. રાત્રે સંસ્કૃતિના નામે થતા રંગારંગ કાર્યક્રમ વિશે ઝાઝું લખવા જેવું નથી. કારણ કે હવે તે કૉમિક શૉમાં ફેરવાઈ ગયા છે. સાંજની આરતી સમયે ઘરની બારીમાંથી જોયું તો એક બહેન કશું શોધી રહ્યા હોય એવું લાગ્યું. નીચે જઇને જોયું તો તેમના પતિ પણ સાથે હતા. તેમની વાતચીતમાંથી કશું પકડાતું નહોતું પણ એટલું સમજાતું હતું કે તેઓ પત્નીની સમજાવટ કરી રહ્યા હતા. સંવાદ કંઈક આવો હતો...

છોડને હવે...એમ કંઈ આ અંધારામાં થોડા મળવાના છે.
ના...ના...શોધવા પડે. શુકનમાં મુકવાના છે.
કાલે મૂકી દે જે.
ના...ના...આજે જ મુકવા પડે. આજે ગણેશ મહોત્સવનો પહેલો દિવસ છે. આરતીમાં મુકવાના છે.

તેમની સાથેની વાતચીત પરથી ખબર પડી કે આરતીમાં મુકવા માટે હથેળીમાં દબાવી રાખેલો સવા રૂપિયો પડી ગયો હતો. (પચીસ પૈસાનો સિક્કો રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયાએ જૂન 2011માં ચલણમાંથી નાબૂદ કર્યો – પરત ખેંચ્યો એ પહેલાંની વાત છે.) બહેન એ પૈસા શોધતા હતા અને ભાઈને મન એનું મહત્વ ક્ષુલ્લક હતું. મૂલ્ય તરીકે બેશક 2010માં સવા રૂપિયાની રકમ ક્ષુલ્લક હતી પણ તેને શોધવા માટે બહેન પાસે મજબૂત કારણ હતું. ઘરમાંથી સવા રૂપિયો લાવી આપવાનું મેં કહી જોયું પણ બહેને માન્યું નહીં. એમની દલીલ હતી કે આ પૈસા દાન-ધરમમાં મુકવા માટેના હતા એટલે કોઈની પાસેથી ઉધાર લેવાય નહીં. થોડીક વાર પછી આ શોધખોળમાં બેટરીવાળા મોબાઇલ ધારકો જોડાયા અને તેમણે શોધી કાઢ્યું કે પૈસા તો ગાડી નીચે સરકી ગયા છે. અપાર્ટમેન્ટમાંથી જેમની કાર પાર્ક થયેલી હતી તેમને બોલાવવામાં આવ્યા અને ગાડી ખસેડીને ખોવાયેલો સવા રૂપિયો હસ્તગત કરવામાં આવ્યો. બહેન રાજી થયા.

ઉપરોક્ત બન્ને ઘટનાઓ વચ્ચે બે દાયકા ઉપરાંતનો સમયગાળો તો છે જ અને એ પછી પણ વર્ષો પસાર થઈ રહ્યા છે. હા...બન્નેમાંથી એક પણ ઘટના – પ્રસંગને હું ભૂલી શકતો નથી. એકમાં જાણી બૂઝીને ફેંકી દેવાયેલા સવા રૂપિયાને ઘરની ચાર દિવાલો વચ્ચે શોધવાનો વણજોઇતો વ્યાયામ કરવાનો હતો તો બીજામાં અજાણતા ખોવાઈ ગયેલો સવા રૂપિયો જાહેર માર્ગ પરથી ફરજિયાત શોધવાનો હતો. બન્ને રકમ શુકનની જ હતી. પણ એકને તેની કિંમત નહોતી અને બીજાને મન તે અમૂલ્ય હતી. આને તમે ‘સમયફેર’ કે ‘પેઢીફેર’ – કોઈ પણ ખાનામાં ગોઠવી શકો છો.



(
* નિશાની વાળી તસવીર: બિનીત મોદી / એ સિવાયની નેટ ઇમિજસનો અહીં માત્ર પ્રતિકાત્મક ઉપયોગ)

5 comments:

  1. ‘સમયફેર’ કે ‘પેઢીફેર' અને/અથવા -જે તે સમયનું વાસ્તવ,એ તો જે હોય તે, પણ બન્ને પ્રસંગોમાં રહેલી પરોક્ષ રમુજ તો તરોતાજા જ અનુભવી શકાઇ છે -આજે પણ. Charlie Chaplin અમર છે!.....

    ReplyDelete
  2. તમારી વાત સાચી છે. ફંડફાળામાં કોઈ પરાણે પુણ્ય ન કરવાનું હોય. આપનાર જે આપે તેને સ્વીકારી લેવાનું હોય. પણ ફંડફાળો કરનારા તો જાણે દાદાગીરી જ કરે છે. ગઈ કાલની જ વાત કરું. અમારે ત્યાં દર પંદર ઓગસ્ટે એક ભાઈ પ્રભાતફેરી માટે દક્ષિણા લેવા આવે છે. ગયા વર્ષે તેમને અમુક રકમ આપી તો તેમને સ્વીકાર્ય ન બની. હવે જોવાનું એ છે કે તેઓ રોજ સવારે પ્રભાતફેરી કાઢતા નથી અને માનો કે કાઢતા હોય તો પણ તે તેમની સ્વેચ્છાએ છે. આ પ્રકારની વિના મૂલ્યની દેશભક્તિ અને સમાજસેવા માટે પણ ફંડફાળો ઉઘરાવીને પોતાની સેવા સસ્તી કરવાની વાત થઈ.

    ReplyDelete
  3. Binitbhai tame bahu saras vat kahi..."samayfer" ke "pedhifer" ni vat kariye to..have question e aavi ne ubho rahe 6e ke..aavnari navi pedhi(New Generation) ne Sava Rupeeiyo su 6e..?? ane kem ene sukan tarike mukay 6e..?? e j khabar nathi... ane...Jo khabar pan hoy to 10 varsas(10 years) pachi 25 paisa lava kyathi..?? Bhale vat ramuji lage... pan.. vat vicharva jevi 6e... to su bhavisaya ma sava Rupeeyo mukavani pratha(Tradition) bandh thai jase...??? to su bhagvan naraj thai jase...??

    ReplyDelete
  4. સૌ મિત્રો,
    બ્લોગની 76મી પોસ્ટ (14 ઑગસ્ટ 2013)ના વાચન / પ્રતિભાવો માટે આભારી છું.

    યોગેશ ભટ્ટ (મુંબઈ), જયવંત પંડ્યા (અમદાવાદ) અને વિશાલ મોદી (વડોદરા)નો વિશેષ આભાર.

    બિનીત મોદી (અમદાવાદ) / શુક્રવાર, 11 ઑક્ટોબર 2013

    ReplyDelete
  5. પ્રિય મિત્રો,
    બ્લોગ ‘હરતાંફરતાં’ને સવા બે વર્ષ પૂર્ણ થયા.
    76મી પોસ્ટનો પહેલા વર્ષનો રીડર સ્કોર છે : 14-08-2013 to 14-08-2014 – 340

    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete