પ્રતિભાવો ઉર્ફે Comments

Saturday, July 23, 2016

ટેસ્ટ ડ્રાઇવ ટુ વ્હીલર @ અમદાવાદ : હોન્ડા નાવી

હોન્ડા નાવી @ યુનિવર્સલ હોન્ડા, ખાનપુર, અમદાવાદ


ગુજરાતી બ્લોગ જગતમાં હાલમાં રસ્તા પર ફરતાં કે બજારમાં નવા આવતા વાહનો વિશે લખાતું નથી એવું મારું અંગત અને મર્યાદિત નિરીક્ષણ છે. અમદાવાદના / Ahmedabad ઓટોમોબાઇલ્સ માર્કેટ (અમદાવાદની ગઈકાલ : મોપેડથી મર્સિડીઝનું ઓટો માર્કેટ – મિરઝાપુર / http://binitmodi.blogspot.in/2012/08/blog-post.html) તેમજ ખુદના બજાજ સુપર સ્કૂટર વિશે (લોહે કા નહીં, લાડલા ગધા : હમારા બજાજ / http://binitmodi.blogspot.in/2014/01/blog-post.html) સ્વતંત્ર બ્લોગપોસ્ટ લખ્યા પછી વિચાર આવ્યો કે ભારતના બજારમાં નવા-સવા પ્રવેશતા વાહનો અમદાવાદની ભાગોળેથી એન્ટ્રી લે અને જરા ઠરીઠામ થાય એટલે તેના વિશે લખવું.

ટુ વ્હીલર કે ફોર વ્હીલર વાહન ચલાવવાનો શોખ છે એટલે નહીં પણ બજારમાં આવતા નવા વાહન વિશે સંભવિત ગ્રાહકોને માહિતી મળવી જોઇએ – મળતી રહેવી જોઇએ તેવા આશયથી આ શરૂઆત કરી રહ્યો છું. જે-તે વાહન ઉત્પાદકની વેબસાઇટ પરથી મળી રહેતા રેડિમેડ ડેટામાંથી ગ્રાહક માટે મહત્તમ અંશે કામની હોય તેવી વિગતો આપવા સાથે જે-તે વાહન જાતે ચલાવી જોવાથી પ્રાપ્ત થયેલો અનુભવ પણ તેમાં સામેલ છે.

શરૂઆત કરીએ બજારમાં આવેલા નવા-નક્કોર ટુ વ્હીલરથી. તેનું નામ છે ‘નાવી’ – હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રા. લિ. / http://www.honda2wheelersindia.com/products/navi/ તેની નિર્માતા કંપની છે. ‘એક્ટિવા’ સ્કૂટરેટ અને ‘ડ્રીમ યુગા’ તેમજ ‘હોન્ડા શાઇન’ મોટરસાઇકલના નિર્માતા રૂપે વ્યાપક ઓળખ ધરાવતી કંપનીનું બાઇક-સ્કૂટરેટ ‘નાવી’ એ ફેશનની ભાષામાં કહીએ તો વર્ષ 2016ની શૉ-સ્ટોપર ઓટોમોબાઇલ એન્ટ્રી છે. બજાર પ્રવેશ સાથે જ તે આ ક્ષેત્રના જાણકારોને ત્રીસ વર્ષ અગાઉની ડાઉન મેમરી લેનમાં લઈ ગઈ છે.

રાજદૂતનું ‘બોબી’ : મારોય જમાનો હતો
રસ્તે ફરતી ‘નાવી’એ વાહનપ્રેમીઓની સાથે ફિલ્મપ્રેમીઓને રાજકપૂરની ‘બોબી’ ફિલ્મની યાદ અપાવી છે. આજે યામાહાબ્રાન્ડ નેમથી સુપરબાઇક્સનું વેચાણ કરતી કંપની એસ્કોર્ટસ્ મોટરસાઇકલ્સ લિમિટેડ 1980ના દાયકામાં રફ-ટફ – માચો મેન માટે બનાવેલી રાજદૂતમોટરસાઇકલની સરખામણીએ કોમળ હ્રદયના – સુપરકુલ બાબાઓ માટે બોબીબાઇક બજારમાં લઇને આવી હતી. 100 સીસીની મોટરસાઇકલનું માર્કેટ જોરમાં આવ્યું ત્યાં સુધી, મોટે ભાગે 1992 - 1995ના વર્ષ સુધી તે બજારમાં ઉપલબ્ધ હતી.

રાજ કપૂરની 1973માં આવેલી ‘બોબી’ ફિલ્મમાં રીશી કપૂરે આ બાઇક ચલાવી તે પછી 1977માં આવેલી મનમોહન દેસાઈની ફિલ્મ ‘પરવરીશ’ના ‘જાતે હો જાને જાના’ ગીતમાં / Song Link https://www.youtube.com/watch?v=AVWy4w4nHqI તે વિનોદ ખન્નાને ભાગે આવી. ગીતમાં અમિતાભ બચ્ચન ચલાવે છે તે ‘જાવા’ મોટર સાઇકલ છે. તો આવી જોતાં જ પ્રેમમાં પડી જવાય તેવી ‘બોબી’ બાઇક વીસ-પચીસ વર્ષના અંતરાલ પછી ‘નાવી’ એવા નવા નામે બજારમાં આવી છે. નિર્માતા કંપની પ્રમાણમાં નવી, એકવીસમી સદીની પરંતુ ઓટો માર્કેટની નીવડેલ કંપની છે.

એનડીટીવી ઇન્ડિયા ચેનલના ‘રફતાર’ કાર્યક્રમના એન્કર ક્રાંતિ સંભવએ 23 એપ્રિલ 2016ના રોજ પ્રસારિત એપિસોડમાં ‘નાવી’નો પ્રથમ પરિચય કરાવ્યો / જૂઓ લિન્ક – https://www.youtube.com/watch?v=7Iv7GeV0M7A ત્યારથી હું તેના અમદાવાદ પ્રવેશની રાહ જોતો હતો. પત્ની માટે ‘એક્ટિવા’ સ્કૂટરેટની ખરીદીથી મિત્ર બનેલા હોન્ડા કંપનીના અમદાવાદના ડિલર યુનિવર્સલ હોન્ડાના યુવાન માલિક – સંચાલક કૌશિક શાહને / Kaushik Shah / https://www.facebook.com/kaushik.shah.104 વાહનના આગમન બાબતે પૂછપરછ કરી. તેમનો ‘હા, શૉ-રૂમમાં આવી ગયું છે’ જવાબ સાંભળીને અરધા કલાક – કલાકના ટેસ્ટ-ડ્રાઇવ માટે વાત કરી. તેમનો જવાબ હતો કે અડધો કલાક માટે નહીં એક અઠવાડિયાની રાઇડ માટે લઈ જાઓ. તો જ ‘નાવી’ને જાણી શકશો.

બંદા રાજી-રાજી. અગાઉ કહ્યું તેમ જોતાં જ પ્રેમમાં પડી જવાય તેવી બાઇક નવા નામે આવી છે. પ્રેમમાં પડવાનું હોય તો કોણ રાજી ન થાય? ‘ના’ પાડનારને જૂઠ્ઠા સમજવા. ટેસ્ટ-ડ્રાઇવ કરીને પરત ફરેલા અમદાવાદના એક ડૉક્ટરના હાથમાંથી ચાવી લઇને ‘નાવી’ની સોંપણી અઠવાડિયા માટે મને કરી. કૌશિકભાઇના પરિચિત ડૉક્ટર મને કહે કે, ‘બાઇક મને ગમી છે પરંતુ ખરીદીશ છ મહિના પછી. અત્યારે તો લોકો બાઇક જોઇને રસ્તામાં ઊભો રાખે છે, જાત-ભાતની પૂછપરછ કરે છે.’ મારા માટે આ સમય આવવાનો બાકી હતો એ મને પછી સમજાયું.

કંદર્પ પટેલ @ નવજીવન
યુનિવર્સલ હોન્ડાના ખાનપુર સ્થિત શૉ-રૂમથી વાયા ગાંધી બ્રીજ – ઇન્કમટેક્ષ થઈ નવજીવન ટ્રસ્ટની ઓફિસ સુધી પહોંચતા આવતા-જતા લોકો મને જોતા જ રહ્યા. કેટલાકને એમ પણ લાગ્યું હશે કે સરકસનું કે મોતના કુવામાં કરતબી દાવ બતાવતું સ્કૂટર રસ્તા પર લઇને આ ભાઈ નીકળી પડ્યા છે. ધૂમ સ્પીડથી ચાલતી સુપરબાઇક્સ ‘નાવી’ને જોઇને ધીમી પડવા માંડી. ટ્રાફિક વચ્ચેથી પસાર થતાં જેને મોકો મળ્યો તે બે વાત પૂછવા લાગ્યા – આની કિંમત કેટલી? અને એવરેજ કેટલી મળે? આ પ્રકારનો સવાલ પૂછનાર મારા-તમારા જેવા સામાન્ય સ્તરના માણસો જ હતા પણ તેનું આર્થિક સ્તર પણ બદલાશે તેવો મને કોઈ અંદાજ નહોતો. આ વાંચનાર તમને એનો અંદાજ છેલ્લા ફકરામાં મળશે.

નૈમિશ સોમાણી @ નવજીવન
અમદાવાદની જગપ્રસિદ્ધ છઠ્ઠી જુલાઈની રથયાત્રા પછી પાંચ દિવસ માટે ‘નાવી’ને ચલાવવાનો ભરપૂર આનંદ માણ્યો. એ અગાઉ મારા ફેસબુક પેજના પ્રોફાઇલ પિક્ચર તરીકે ‘નાવી’ સાથેનો મારો ફોટો (પોસ્ટમાં સૌથી ઉપર છે તે / https://www.facebook.com/photo.php?fbid=10204914930192246&set=a.1257603459436.35126.1810124369&type=3&theater) મૂક્યો હતો. સોશિઅલ મીડિયા થકી પણ આ સંબંધે પ્રતિભાવ મળવાનું – પૂછપરછ કરવાનું ચાલુ થઈ ગયું હતું. વાહન ચલાવવાનું નહીં જાણતા, અમદાવાદમાં સ્થાનિક અવર-જવર માટે કાયમ રીક્ષા કે ટેક્ષીનો ઉપયોગ કરતા મિત્ર અને આંતરરાષ્ટ્રિય ખ્યાતિપ્રાપ્ત ચિત્રકાર વૃંદાવન સોલંકીએ / Vrindavan Solanki / https://www.facebook.com/vrindavan.solanki ‘નાવી’ રાઇડ લેવાની ઇચ્છા વ્યક્ત કરી જે શક્ય હતી એટલે પૂરી કરી.

પ્રણવ અધ્યારૂ @ નવજીવન
કુલ મિલાકે કહો કે એકંદરે કહો, ‘નાવી’ને ચલાવવાનો મારો અનુભવ સારો રહ્યો. એક્ટિવાનું જ એન્જિન અને સ્ટાઇલ હોવાથી ડ્રાઇવિંગ કરવા માટે કોઈ વિશેષ કુશળતાની જરૂર નથી. ડ્રાઇવિંગ કરતી વખતે મોટરસાઇકલની જેમ કોઈ કન્ટ્રોલ પગ દ્વારા કરવાનો નથી તે યાદ રાખવું ઘટે. ડેશ-બોર્ડ પર પેટ્રોલ ગેજ માટે જગ્યા રહી નથી. વિકલ્પે પોણા ચાર લીટરની પેટ્રોલ ટેન્ક ધરાવતા ‘નાવી’માં ખનીજતેલના ખજાના પર નજર રાખવા માટે ઓપન, ક્લૉઝ અને રિઝર્વ મૉડ વાળા કૉકની સુવિધા આપવામાં આવી છે. એક સ્કૂટર કે બાઇકમાં હોવી જરૂરી તમામ સુવિધા-સગવડ અહીં ડિઝાઇનમાં આપી દેવામાં આવી છે. ટૂલ-કિટનું સ્થાન સીટની નીચે છે. પિલ્યન રાઇડર માટે ફૂટ-રેસ્ટ છે અને ડ્રાઇવર ફૂટ-રેસ્ટ પાસે પડતી ચોરસ જગ્યામાં માત્ર એક બાજુથી ખુલી શકે તેવું લગેજ-બોક્ષ આપવાનું આયોજન થઈ રહ્યું છે. વ્હીકલના માર્કેટ લૉન્ચિંગ વખતે તે નથી થઈ શક્યું. આ લગેજ-બોક્ષ પાણીની એક બોટલ અને ટિફિન-બોક્ષને સમાવી શકવાની ક્ષમતા અને જગ્યા બન્ને ધરાવતું હશે.

શિલ્પા બિનીત મોદી @ રામવન
જૂના-નવા વાહનોનો સંગમ
એક્ટિવાની જેમ જ સાઇડ અને સેન્ટ્રલ એમ બન્ને સ્ટેન્ડ આપવામાં આવ્યા છે. બે સાઇડ મીરર છે. સેલ્ફ સ્ટાર્ટ સાથે 110 સીસીનું એન્જિન સીટી ટ્રાફિક વચ્ચે સરળતાથી 35થી 40 કિ.મી. પ્રતિ કલાકની સ્પીડ લઈ શકે છે. આ ઝડપે અને રેડ સિગ્નલ પર એન્જિન બંધ કરવાની – રાખવાની શરતે + / - 45 – 50ની એવરેજ / માઇલેજ પ્રતિ એક લીટર પેટ્રોલથી મળી રહેશે તેવો અંદાજ છે. વાહન ચલાવતી વખતે ઉતરી જતા ફ્રન્ટ શૉક-એબ્સોર્બર્સ પરના રબર કવરને ગ્રીપ ક્લિપ આપવાની જરૂર છે. નાની વાત છે. કંપની આ કામ ઓછા નહીં, તદ્દન નજીવા ખર્ચે કરી શકે તેમ છે. ‘નાવી’ના જાડિયા-પાડિયા ડ્રાઇવરને કે પિલ્યન રાઇડરને તેની સીટ નાની લાગી શકે છે પણ તે કોઈ સમસ્યા નથી. ગુજરાતી સાહિત્ય જગતમાં જેનો ‘યુવાન હૈયા’ તરીકે વારંવાર ઉલ્લેખ થાય છે તેવા લગ્નોત્સુક યુવક-યુવતીઓ આ ટૂંકી સીટની સમસ્યાને સવલત ગણી શકે છે. એમ સમજો કે હોન્ડા કંપનીએ આ બાઇક-સ્કૂટરેટ તમારા માટે જ બનાવ્યું છે.

શિલ્પા વિવેક દેસાઈ @ ભવન્સ કૉલેજ
ખાનપુર, અમદાવાદ
‘નાવી’ની ટેક્નિકલ માહિતી જાણવી રસપ્રદ થઈ પડશે. લંબાઈ – 1805mm / આશરે 180 સે.મી., પહોળાઈ – 748mm / આશરે 75 સે.મી., ઊંચાઈ – 1039mm / આશરે 104 સે.મી., વ્હીલ બેઝ – 1286mm / આશરે 129cm, ગ્રાઉન્ડ ક્લિયરન્સ – 156mm / આશરે 15.5 સે.મી., ગ્રાઉન્ડ લેવલથી સીટની ઊંચાઈ – 765mm / આશરે 76.5 સે.મી., વાહનનું વજન – 101 કિલોગ્રામ, પેટ્રોલ ટેન્કની કપૅસિટિ – 3.8 લિટર, 110 CCનું ફોર સ્ટ્રોક સિંગલ સિલિંડર એન્જિન 7000 આર.પી.એમ પર 5.84 કિલોવોટ પાવર ઉત્પન્ન કરે છે અને 5500 RPM પર 8.96નો ટોર્ક આપે છે. આગળ-પાછળ બન્ને વ્હીલની 130mmની ડ્રમ બ્રેક ટ્યુબલેસ ટાયર સાથે શહેરી માર્ગ પર ધાર્યું કામ આપે છે. 12 વોલ્ટની બેટરી 35 વૉટના હેડ-લેમ્પને રાત્રે જરૂર પડ્યે ઝળહળતો તેમજ બે ટર્ન સિગ્નલ લાઇટ અને સેલ્ફ-સ્ટાર્ટની સુવિધાને ધબકતી રાખે છે. બેટરી ધાર્યું કામ ન આપે ત્યારે ઊભી થતી સ્ટાર્ટિંગ ટ્રબલનું તત્કાલ નિવારણ કરવા માટે કીક-સ્ટાર્ટની સગવડ તો છે જ.

પાંચ દિવસ મારા સહિત મિત્રોએ પણ આ સ્કૂટરેટ-બાઇક ચલાવવાનો આનંદ માણ્યો. એ મિત્રો કંદર્પ પટેલ / Kandarp Patel / https://www.facebook.com/kandarp.patel.146 નૈમિશ સોમાણી / Naimish Somani / https://www.facebook.com/naimish.somani પ્રણવ અધ્યારૂ / Pranav Adhyaru / https://www.facebook.com/pranavadhyaru અને પત્ની શિલ્પા બિનીત મોદી / Shilpa Binit Modi /  https://www.facebook.com/profile.php?id=100009769952117 ના વિવિધ મુદ્રાના ફોટા આ પોસ્ટમાં અહીં-તહીં જોઈ શકો છો. અંતે ‘નાવી’ને પરત કરવાનો (જાણે કન્યા વિદાયનો) દિવસ આવી ગયો. ‘કાક ભટ્ટ’ ઉપનામથી જાણીતા મિત્ર શિલ્પા વિવેક દેસાઈએ / Desai Shilpa / https://www.facebook.com/desai.shilpa.7 ‘નાવી’ સાથે ફોટો પડાવવા પોતે જ્યાં ભણ્યા હતા તે ખાનપુરની ભવન્સ કૉલેજને / https://www.facebook.com/photo.php?fbid=10154052567391773&set=a.442384666772.219578.619896772&type=3&theater પસંદ કરી. આખરે ‘નાવી’નો આખરી મુકામ પણ તો ખાનપુરમાં હતો – યુનિવર્સલ હોન્ડા. જો કે તેને વિદાય આપવાના દિવસની આગલી સાંજનો પ્રસંગ હું ભૂલી શકું તેમ નથી. તમે પણ જાણો.

અગાઉ જણાવ્યું તેમ વૃંદાવનભાઈની સાથે ‘નાવી’ની સહેલગાહે જ નીકળ્યો હતો. વસ્ત્રાપુરના આઇ.આઇ.એમ ક્રોસ રોડના રેડ સિગ્નલ પર ગ્રીન લાઇટ થવાની રાહ જોતા ઊભા હતા. ત્યારે બાજુમાં આવીને ઊભી રહેલી બીએમડબલ્યૂ કારનો પાછળનો કાચ નીચે ઉતર્યો. એ જ સવાલ જે ગાંધી બ્રીજ પરનો સુપર બાઇકર કરતો હતો તે એમણે પણ કર્યો – આની કિંમત કેટલી? અને એવરેજ કેટલી મળે? મેં પહેલા પ્રશ્નનો જવાબ આપ્યો...ઓન રોડ પ્રાઇઝ આશરે રૂપિયા 46,000/-. બીજા પ્રશ્નનો જવાબ વડીલને મેં જરા મસ્તીપૂર્વક અને સામો પ્રશ્ન કરીને જ આપ્યો...‘સાચું કહેજો અંકલ, તમે આ BMW ખરીદવા ગયા ત્યારે ડિલરને એવરેજ / માઇલેજની પૂછપરછ કરી હતી ખરી?’ જવાબ આપવાને બદલે તેઓ મને જોઈ રહ્યા...હસી પડ્યા. એવું જ જેમ ‘નાવી’ ચલાવતા જોઈ લોકો મારી – મિત્રો સામું જોઇને હસતા હતા.

...અને હા, એકાધિક ફોટામાં બેકગ્રાઉન્ડમાં દેખાતા ‘નવજીવન’ / Navajivan Trust / http://www.navajivantrust.org/ માટે જણાવવાનું કે તે હવે મારું અને જે-તે મિત્રોનું પણ વર્કગ્રાઉન્ડ છે.

(તસવીરો અને લિન્ક : મિત્રો, નેટ અને યુ-ટ્યૂબના સૌજન્યથી)

Friday, July 08, 2016

કૂતરાનું કમોત અને અગિયારસનો ઉપવાસ



વાહનોની નાત-જાત અને સંખ્યામાં એવો ઉછાળો આવ્યો છે કે થોડા વર્ષો વીતવા સાથે કોઈના મૃત્યુના સમાચાર મળશે તો સામે પૂછવું પડશે કે ‘માંદગીથી થયું કે મોટરકારથી થયું?’ અમદાવાદના વસ્ત્રાપુર / Vastrapur, Ahmedabad વિસ્તારમાં જ્યાં રહું છું ત્યાં મારી નજર સામે જ મૃત્યુની એક ઘટના ઘટી. અરેરાટી વ્યાપી ગઈ. કોઈ માણસનું નહીં પણ કુતરાનું મોત થયું હતું. તોય અરેરાટી વ્યાપી તેના કારણો સહેજ જુદા હતા.

વાત જાણે એમ બની કે રોજ પડે છે એવી જ સવાર તે દિવસે પડી હતી. પણ અગિયારસની સવાર હતી એટલે સ્વાભાવિક જ ઘર સામે ઊભી રહેતી ફરાળી નાસ્તા-ખીચડીની લારી પર સામાન્ય દિવસો કરતા વધુ લોકોની ભીડ હતી. વસ્ત્રાપુર રહેણાકની સાથે-સાથે વેપારથી પણ ધમધમતો વિસ્તાર છે. રોજિંદા ગ્રાહકો સાથે અહીંથી પસાર થતા લોકો માટે પણ ફોટામાં દેખાય છે તે આશાપુરા ખીચડીની લારી સવારના નાસ્તાનું સ્વાદિષ્ટ સરનામું બની રહ્યું છે. ગ્રાહકોની ભેગાં તેમના વાહનો પણ ઉમેરાય. એવામાં એક ગાડી લારીની બાજુમાં આવીને ઊભી રહી. બસ એ સાથે અગિયારસની બારસ થવાની શરૂઆત થઈ. રોજિંદા ખાન-પાન ભેગું શોખથી ફરાળ ખાતા હંગામી ધોરણના ભક્તોને ‘સવારે અગિયારસ, બપોર પછી બારસ’ એવી ઉપમા મજાકમાં અપાતી હોય છે. અહીં પણ કંઈક એવું જ થવા જઈ રહ્યું હતું.

ગાડીમાં બેઠા-બેઠા જ ચીજ-વસ્તુનો ઑર્ડર આપીને ઓડકાર બોલાવનાર ગ્રાહકોએ પેટપૂજા પુરી થતા જ ગાડીને આગળ હંકારવાની ભૂમિકા નિભાવી. એ સાથે જ ગાડી નીચેથી ચીસ-ચિત્કાર ઉઠ્યાં. શેરી કૂતરાંના ભસવાના અવાજ પણ જોડાજોડ ચાલુ થયા. ગાડી રોકાઈ ગઈ. ચલાવનારે પાછું વળીને જોયું તો એક કૂતરું / Dog લોહીલુહાણ હાલતમાં ઊંધે માથે થઈ ચાર પગે તરફડિયાં મારી રહ્યું હતું. કૂતરાંના ભસવાના અવાજ સાંભળીને સવારનું છાપું વાંચવાનું પડતું મુકી ઊભા થયેલા મને પણ ઘરની બારી બહાર આ જ દ્રશ્ય દેખાયું.

ઘર બહાર નીકળી સામે રસ્તે ઊભી રહેલી લારી પાસે ગયો ત્યાં સુધીમાં તરફડિયાં મારવાનું શાંત થઈ ગયું હતું. ગાડી બહાર નીકળેલા વાહન ચાલકને અને લારીના માલિક-સંચાલકને એટલું તો સમજાયું કે ફરાળી નાસ્તાને ન્યાય અપાઈ રહ્યો હતો એ દરમિયાન જ કૂતરું ગાડી નીચે લપાયું હશે અને પોતાની જાત પ્રત્યે બેધ્યાન થયું હશે. હવે? હવે તો એના રામ રમી ગયા હતા. તરત જ મૃતદેહના નિકાલનો પ્રશ્ન ઊભો થયો. હાલતો-ચાલતો માણસ મરી ગયો હોત તો આ પ્રશ્ન આટલો જલદીથી સામે ન આવ્યો હોત. હાલતું-ચાલતું ખરું પણ આ તો કૂતરું હતું. એની લાશનો તો ઝડપથી જ નિકાલ કરવો પડે ને? નહીં તો ભક્તોની અગિયારસ અભડાઈ જાય.

ફરાળી વાનગીઓથી મધમધતી લારીના માલિકે લાશ દુર્ગંધ મારવાનું શરૂ કરે તે પહેલા તેના નિકાલની વ્યવસ્થાના ભાગરૂપે પહેલા તો ગાડીવાળા પાસે રૂપિયાની માગણી કરી. થોડી મિનિટો અગાઉ જ રાજી થઇને તેને નાસ્તાના રૂપિયા આપી ચુકેલા તેઓ આ પ્રકારની ‘ચુકવણી’ માટે ધરાર તૈયાર નહોતા. ‘અમારો કોઈ વાંક નથી’ એવી એમની દલીલ હતી. સાચી અને માની લેવી પડે તેવી દલીલ હતી. પણ એથી કંઈ આ નિકાલના પ્રશ્નનો નિવેડો આવવાનો નહોતો. બાકી રહેલા ગ્રાહકો એક પછી એક વિદાય લઇને નજીકની સેન્ડવીચ-ખમણ-ભજિયા-ગોટાની લારીઓ તરફ વળી રહ્યા છે તે બાબતનો ખ્યાલ આવતા લારીવાળાએ રકઝક પડતી મુકી અને ગલ્લા સામે જોયું. રસ્તેથી પસાર થતા એક સફાઈ કામદારને બૂમ પાડી લાશ સામે આંગળી ચીંધી અને બીજા હાથે પાંચસોની કડકડતી નોટ બતાવી. આટલું પૂરતું હતું.

સફાઈ કામદાર / Street Sweeper ભાઈ ક્યાંકથી જૂનું બારદાન – શણનો કોથળો શોધી લાવ્યો. સાથીદારને મદદે બાલાવ્યો. રસ્તે જતી રિક્ષાને / Rickshaw રોકી નિકાલના કામમાં સામેલ કરી. રિક્ષા બહાર કોથળો લટકતો રાખી પૂરપાટ ઝડપે તેને અમદાવાદની ભાગોળે આવેલી ડમ્પિંગ સાઇટ / Dumping Site તરફ મારી મુકી. રોડ-રસ્તા કે ધોરી માર્ગ વચ્ચે મોતને ભેટતા પશુઓના મૃતદેહની બદતર હાલત જોઈ ચૂકેલા આપણામાંના કોઈકને આટલું વાંચીને ‘લાશનો આટલો જલદી નિકાલ?’ એવો સવાલ થતો હોય તો તેમને જણાવવાનું કે આ કામ ‘દલાલી’ / Commission જેવું છે જેમાં બન્ને પાર્ટી તરફથી રૂપિયા મળે. રહેણાંકથી ધમધમતા અવર-જવરવાળા વિસ્તારમાં પડતી આવી લાશોને ઝડપથી નિકાલ કરવાના તો રૂપિયા મળે જ મળે. તેને ચોપડે નોંધ કરાવવા જતા જે-તે શહેરની મ્યુનિસિપલ કૉર્પોરેશન પણ સફાઈ કામદારને આ કામના રોકડા રૂપિયા ગણી આપે છે. લાશમાંથી મળતો આવો લાભનો અને લોભનો ધંધો કોણ છોડે? અહીં તો પાછો અગિયારસના ફરાળી ધંધાને દિવસભર ચલાવવાનો પણ સવાલ હતો.

કૂતરાના જીવન-કવન અને પરાક્રમ વિશે જાણવા આ જ બ્લોગ પર અન્ય બે પોસ્ટની મુલાકાત લેવા આ રહી લિન્ક...
કૂતરાની પૂંછડી..... : કહેવતને ખોટી પાડતો કૂતરો http://binitmodi.blogspot.in/2012/08/blog-post_25.html
અમદાવાદની આજકાલ : પાળેલા કૂતરા અને પોદળાએ આપેલી પીડા http://binitmodi.blogspot.in/2015/03/blog-post.html

(ઉપરોક્ત બ્લોગપોસ્ટની તસવીરો : બિનીત મોદી)

Saturday, July 02, 2016

ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (જૂન – 2016)

(જૂન – 2016)

સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?...પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના બે આશય છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા અથવા દાખલ થયા પછી દૂર થયા છે તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાના વિચારને 2012માં અમલમાં મૂક્યા પછી તેને નિયમિત કરતાં એ ક્રમમાં આ 68મી પોસ્ટ છે.
2010ના વર્ષની એક અને 2011થી 2015ના પાંચ વર્ષની મહિનાવાર સ્ટેટસ પ્રોફાઇલ પોસ્ટ રજૂ કર્યા પછી પ્રસ્તુત છે હવે જૂન2016. જે તે દિવસના વાર, તારીખ અને સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું સ્ટેટસ અપડેટ છે.ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું. હા, ડમડમબાબા એ બ્લોગલેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.
આભાર.

સચીન તેંડુલકર - લતા મંગેશકરની મશ્કરી તન્મય ભાટને ભારે પડી
(Wednesday, 1 June 2016 at 03:33pm)
કોમિડિ ક્રાઇમ સેલ = CCC
કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા AIB અને તન્મય ભાટને સમર્પિત નવા પોલિસ વિભાગની ઘોષણા.
લિ. સંતા બંતાના કોમિડિકાકા
* * * * * * *

(
Friday, 3 June 2016 at 08:45am)
ફિલમ ફર્સ્ટ હાફમાં વેગ પકડે છે પણ સેકન્ડ હાફમાં કથાનકનું પોત નબળું પડે છે’...એવા બે ભેદ ફેસબુક ફિલમ વિવેચકોએ ના પાડવા પડે તે માટે ‘ઇન્ટર્વલની પ્રથા નાબૂદ કરવા ભલામણ છે.
લિ. ઇન્ટર્વલમાં પોપકોર્ન ખાઇને જાડિયો-પાડિયો થયેલો જણ...
* * * * * * *

(
વિશ્વ પર્યાવરણ દિવસ : Sunday, 5 June 2016 at 06:36pm)
પર્યાવરણ જાળવણીનો સંદેશો આપતા અને જ્ઞાન પીરસતા મૅગેઝીનો ટપાલ મારફતે આવે છે તો પ્લાસ્ટિકની કોથળીમાં પેક થઇને જ.
લિ. પર્યાવરણ શાસ્ત્રી
સ્પષ્ટતા : ખરેખર હું પર્યાવરણશાસ્ત્રી છું નહીં. આ તો મારું નામ-અટક છે.
* * * * * * *

(
Wednesday, 8 June 2016 at 02:22pm)
ખાદ્ય પદાર્થ બ્રેડમાં માનવજીવ માટે હાનિકારક તત્ત્વ એવા પૉટૅસિઅમ બ્રોમેટ અને પૉટૅસિઅમ આયોડેટના અવશેષો મળી આવ્યા પછી...
પરમકૃપાળુ પરમાત્મા, કહો કેવી રીતે જીવાય?
બ્રેડના નમૂના લેવાય...ને ટોસ્ટ ખૂલ્લેઆમ વેચાય.
લિ. બ્રેડબાબા પોએટ્રિ ફાર્મ
* * * * * * *
રઘુરામ ગોવિંદ રાજન અને રાધિકા પુરી

(
Thursday, 9 June 2016 at 11:11am)
મારે બે સાસુ છે...
એક તે રાધિકા પુરી સાથેના લગ્નને કારણે કુદરતી ક્રમમાં...અને...
બીજા તે ભારતીય રિઝર્વ બૅન્કના ગવર્નરના હોદ્દાને કારણે...સુબ્રમનિયન સ્વામી.
લિ. રઘુરામ ગોવિંદ રાજન
* * * * * * *
અમેરિકાની કૉંગ્રેસને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

(Monday, 13 June 2016 at 08:08am)
કારભારી, જરા તપાસ તો કરો કે તાળીઓ પાડનારા અમેરિકી સાંસદો આમ અચાનક સાવ શાંત કેમ થઈ ગયા?”
બાપુહવે ઈ લોકો સત્યજીત રેબીમલ રોય, મૃણાલ સેનએમ.એસ. સત્થુ, મીરાં નાયર અને દીપા મહેતાની ફિલ્મો અને ભારતનો વિકાસ બન્ને એકસાથે જોઈ રહ્યા છે.
ડમડમબાબા ડાયલૉગ સિરીઝ.....
* * * * * * *
તેજસ્વી-હોંશિયાર ખરા પણ માત્ર પપ્પાના પુત્રો

(
Tuesday, 14 June 2016 at 03:10pm)
ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ પાકો કરી આપતી IIT – JEE પરીક્ષાના ટૉપર્સ – ‘પપ્પાઓના પુત્રોને મળેલી સફળતા દર્શાવતી જાહેરાતમાં મમ્મીઓના તો નામ સુદ્ધાંની બાદબાકી...
વાહ રે ટૉપર...વાહ...વાહ...તમને ભણાવનારાની પણ વાહ...વાહ...શાબાશ...
લિ. ભણવામાં ભમરડો(Top) એવા ટૉપરબાબા
* * * * * * *
વિશ્વ યોગ દિવસ અમદાવાદ 2016 (*)

(
Tuesday, 21 June 2016 at 09:00am)
યોગ કરવા હાટુ આજે 21મી જૂને ઘર બહાર નીકળ્યા પછી યાદ રાખવું કે 15મી ઑગસ્ટ અને 26મીજાન્યુઆરીએ ધ્વજવંદન કરવા પણ ઘર બહાર નીકળવાનું છે.
લિ. ડિજિટલ યોગબાબા
* * * * * * *

(
Friday, 24 June 2016 at 08:40am)
આપનું વાહન જેમની સાથે અથડાશે તે આગામી-નિર્માણાધીન ગુજરાતી ફિલ્મના હીરો હેરોઇન, નિર્માતા, દિગ્દર્શક, ફાઇનાન્સર, ગીતકાર, સંગીતકાર કે સંવાદલેખક હોવાની પ્રબળ સંભાવનાઓ હોવાના કારણે બસને રિવર્સમાં લેતી વખતે ડ્રાઇવર ભાઇઓએ ખાસ તકેદારી રાખવા તેમજ કંડક્ટર ભાઇઓને ડ્રાઇવરની મદદમાં રહેવા ખાસ ફરમાન કરવામાં આવે છે.
હુકમથી ટ્રાન્સપોર્ટ મેનેજર, લાલ દરવાજા AMTS બસ ટર્મિનસ્ અને વાહનવ્યવહાર કમિશનર ગુજરાત રાજ્ય

ગયા મહિને અહીં મુકેલી મે – 2016ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક આ રહી –

.....તેમજ ગત વર્ષોમાં અહીં મુકેલી જૂન – 2011, જૂન – 2012, જૂન – 2013, જૂન – 2014 તેમજ જૂન 2015ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક અનુક્રમે આ રહી –

http://binitmodi.blogspot.in/2013/07/2011.html


(* નિશાની વાળી તસવીર : બિનીત મોદી, એ સિવાયની સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)